ગુજરાતી મહિલાની અનોખી સિદ્ધિ થ્રી-ડી રંગોળી

31 October, 2011 02:06 AM IST  | 

ગુજરાતી મહિલાની અનોખી સિદ્ધિ થ્રી-ડી રંગોળી


 

સપના દેસાઈ

મુંબઈ, તા. ૩૦

છેલ્લાં ૧૨ વર્ષથી સતત થ્રી-ડી રંગોળી કરતાં ૪૦ વર્ષનાં ભાવના ભેદાએ પોતાની રંગોળી વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જૈનોના ૨૩મા ર્તીથંકર ભગવાન સહસ્રફણા પારસનાથના કાઉસ્ાગ્ગ અને તેમના જ્ઞાનમાં આવનારા વિઘ્ન પર આ થ્રી-ડી રંગોળી બનાવી છે. આ રંગોળી ત્રણ પ્રકારે જોઈ શકાય છે:


થ્રી-ડી ગ્લાસની મદદથી, રાત્રે લાઇટ બંધ કરીને અંધારામાં ચશ્માં કાઢીને અને થ્રી-ડી ગ્લાસ પર્હેયા વગર નૉર્મલ રીતે. ત્રણેત્રણ રીતે આ રંગોળી અદ્ભુત દેખાય છે; પણ જો એનો ખરો કરિશ્મા જોવો હોય તો થ્રી-ડી ગ્લાસ પહેરવા જોઈએ, કારણ કે એમાં અલગ જ ઇફેક્ટ જોવા મળે છે.’

સાથે-સાથે જીવદયા


મારી આ રંગોળી કલા જ નહીં પણ લોકોને ધર્મ પ્રત્યે જોડતી એક કડી પણ બની છે એવું બોલતાં ભાવના ભેદાએ કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૨ વર્ષથી હું આ પ્રકારે રંગોળી કરતી આવી છું. મારી આ રંગોળી ધર્મ પ્રત્યે તો લોકોને જોડવાનું કામ કરે જ છે, પણ સાથે જ મારી આ કલા દ્વારા હું ચૅરિટીનું કામ પણ કરું છું. મારી આ રંગોળી જોવી હોય તો પ્રવેશ ફ્રી છે, પણ રંગોળી પાસે મેં જીવદયા અર્થે એક દાનપેટી રાખી છે જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી જોઈએ એટલા પૈસા નાખી શકે છે. કોઈને પૈસા આપવા માટે જબરદસ્તી નથી. રંગોળી જોવા આવતા લોકો પાસેથી મળતી રકમ હું જીવદયા માટે વાપરું છું.’

એકલા હાથે મહેનત

થ્રી-ડી રંગોળી બનાવવા માટે લિમ્ાકા બુક ઑફ રેકૉર્ડ્સમાં પોતાને નામે રેકૉર્ડ કરનારાં ભાવના ભેદાએ સતત નવ દિવસની મહેનત બાદ આ થ્રી-ડી રંગોળીનું સર્જન કર્યું છે. રંગોળી માટે સાત કિલોથી પણ વધુ જુદા-જુદા કલરની ચિરોટી વાપરવામાં આવી છે. એકલા હાથે અને કોઈની મદદ વગર થ્રી-ડી રંગોળી બનાવનારાં ભાવના ભેદાનું નામ ઑલરેડી લિમ્ાકા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધાઈ ચૂક્યું છે અને ગિનેસ બુક ઑફ રેકૉર્ડવાળા પણ તેમની નોંધ લઈ ગયા છે. સાત નવેમ્બર સુધી પબ્લિક તેમની આ થ્રી-ડી રંગોળી જોઈ શકશે.
કઈ થીમ પર રંગોળી કરી છે?

જૈનોના ૨૩મા ર્તીથંકર શ્રી પાશ્વર્નાથ (પારસનાથ) કાઉસ્ાગ્ગમાં હોય છે. એ વખતે અસુર દેવતા મેઘમાડી તેમને જોઈ જાય છે એટલે તેને પોતાનો પૂર્વભવ યાદ આવે છે અને તેની વેરવૃત્તિ જાગી જાય છે એટલે તે બદલાની ભાવનાથી ભગવાનનો કાઉસ્ાગ્ગનો ભંગ કરવા માટે જાત-જાતના ઉપસર્ગ (વિઘ્ન) રચે છે અને સિંહ, વાઘ, જંગલી હાથી તથા સાપ જેવા ઉપસર્ગ રચીને તેમને ડરાવાની કોશિશ કરે છે. આમ છતાં ભગવાનનું મન ચલિત નથી થતું અને તેઓ પોતાના કાઉસ્ાગ્ગ ધ્યાનમાં મગ્ન રહે છે એટલે મેઘમાડી અતિક્રોધિત થઈને વાવાઝોડાનો ઉપસર્ગ રચે છે. તોફાની પવનો અને વીજળીના કડાકા સાથે તે જોરદાર વરસાદ વરસાવે છે. વરસાદ એટલો જોરદાર હોય છે કે ક્ષણમાત્રમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. શરૂઆતમાં ભગવાનના ઘૂંટણ સુધી, પછી કમર સુધી અને પછી છાતી સુધી પાણી આવે છે. અંતે જ્યારે નાક સુધી પાણી આવે છે ત્યારે દેવલોકોમાં નાગરાજા ધરણેન્દ્ર દેવનું આસાન ડોલાયમાન થાય છે. તેમને આત્મજ્ઞાનથી ખબર પડે છે કે મારા પર ગયા ભવમાં ઉપકાર કર્યો છે એવા શ્રી પાશ્વર્નાર્થ ભગવાન પર સંકટ આવ્યું છે અને તેમનું કાઉસ્ાગ્ગ જ્ઞાન ભંગ થવાની તૈયારીમાં છે. એટલે ધરણેન્દ્ર દેવ દેવલોકમાંથી નીચે આવીને ફેણ પર તેમને ઉપાડી લે છે અને પાણીની બહાર કાઢે છે. આ રીતે વિકટ પરિસ્થિતિ જોઈને નાગરાણી પદ્માવતી માતા પણ દેવલોકમાંથી નીચે આવે છે અને પોતાની સહસ્ર ફેણથી છત્ર રચીને પવન, વીજળી અને વરસાદથી ભગવાનનું રક્ષણ કરે છે જેથી તેમનું કાઉસ્ાગ્ગનો ભંગ ન થાય. આમ ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી આ કાર્ય પ્રભુના ઉપકારવશ કરે છે.

રંગોળી જોવા ક્યાં જશો?

રંગોળી જોવા માટે પ્રવેશ ફ્રી છે. કોઈ પણ વ્યક્તિ નાતજાતના ભેદભાવ વગર રંગોળી જોવા તેમને ઘરે જઈ શકે છે. તેમના ઘરનું સરનામું એ-૪, ચંદન મહેલ, ૧૧મો ગોલીબાર રોડ, વી. એન. દેસાઈ હૉસ્પિટલ પાસે, સાંતાક્રુઝ (ઈસ્ટ) છે.