વાગડનો યુવક પ્રકાશ ગડા અંધેરીમાં સાજોનરવો અને બાંદરા પહેલાં હાર્ટ બંધ

08 December, 2020 08:10 AM IST  |  Mumbai | Rohit Parikh

વાગડનો યુવક પ્રકાશ ગડા અંધેરીમાં સાજોનરવો અને બાંદરા પહેલાં હાર્ટ બંધ

પ્રકાશ ગડા

જીવનમાં કોઈ પણ ટેન્શન રાખ્યા વગર મસ્તમજાનું જીવન જીવતો ફોર્ટનો વાગડ સમાજનો સ્ટેશનરીની દુકાનમાં નોકરી કરતો ૩૯ વર્ષનો જૈન યુવાન રવિવારે બપોરે બે વાગ્યે અંધેરીથી બાંદરા વચ્ચે ટ્રેનમાં હાર્ટ-અટૅક આવતાં મૃત્યુ પામ્યો હતો. તેના પરિવારને આ સમાચાર મળતાં તેઓ આઘાતમાં સરી પડ્યા છે. વાગડ સમાજમાં પણ આ સમાચારને કારણે શોક પ્રસરી ગયો છે.

મૂળ કચ્છના લાકડિયા ગામનો પ્રકાશ હંસરાજ ગડા રવિવારે અંધેરી તેના કઝિનના ઘરે તેના દીકરાના મુંડનપ્રસંગે ગયો હતો. ત્યાંથી બપોરે ટ્રેનમાં તે ફોર્ટ પાછો ફરી રહ્યો હતો ત્યારે બપોરે બે વાગ્યે તેને ટ્રેનમાં જ અંધેરી-બાંદરા વચ્ચે હાર્ટ-અટૅક આવી ગયો હતો. પ્રકાશનું ટ્રેનમાં જ મૃત્યુ થયું હતું. તેની સાથે એ સમયે પરિવારનું કોઈ નહોતું. તેની સાથે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરી રહેલા કોઈ પૅસેન્જરે દાદર સ્ટેશન-માસ્ટરને આ બાબતે માહિતી આપી હતી. પ્રકાશના અચાનક મૃત્યુના સમાચારથી ગડાપરિવાર આઘાતમાં આવી ગયો છે.

આ બાબતે માહિતી આપતાં ચર્ની રોડ રહેતા પ્રકાશના કઝિન દીપક ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રકાશને કોઈ કાર્ડિઍક પ્રૉબ્લેમ નહોતો. કદાચ તેને હાઈ કૉલેસ્ટરોલની સમસ્યા હોઈ શકે છે. આના સિવાય પ્રકાશને કોઈ વ્યસન કે રોગ નહોતો. તેના પરિવારમાં પણ કોઈ કાર્ડિઍક પેશન્ટ નથી. પ્રકાશ એકદમ મસ્ત જીવન જીવતો યુવાન હતો. રવિવારે પ્રકાશ અંધેરી અમારા એક કઝિનના ઘરે મુંડનપ્રસંગે ગયો હતો. ત્યાંથી તે પાછો ફર્યો ત્યાં સુધી તેની તબિયત માટેની કોઈ ફરિયાદ નહોતી. અંદાજે બે વાગ્યા પછી અમને દાદર રેલવે-પોલીસે ફોન કરીને પ્રકાશની ટ્રેનમાં તબિયત બગડતાં તેને તેઓ સાયન હૉસ્પિટલ લઈ ગયા છે એવા સમાચાર આપ્યા હતા. જોકે અમે સાયન હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પ્રકાશને સાયન હૉસ્પિટલના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.’

પ્રકાશ ગડાના પરિવારની માહિતી આપતાં દીપક ગડાએ કહ્યું હતું કે ‘પ્રકાશની  માતા મૃત્યુ પામી છે. પ્રકાશ તેના ભાઈ અને પપ્પા સાથે ફોર્ટમાં રહે છે. તેને ત્રણ બહેનો છે. ત્રણેયનાં મૅરેજ મુંબઈમાં થયાં છે. આ પરિવાર ૨૦ વર્ષ પહેલાં લાકડિયાથી આવીને મુંબઈમાં સ્થાયી થયો હતો. મસ્તમોજીલા પ્રકાશના અચાનક મૃત્યુથી અમારો ગડાપરિવાર શોકગ્રસ્ત બની ગયો છે.’

દાદર રેલવે પોલીસ-સ્ટેશનના પોલીસ-કૉન્સ્ટેબલ વિશ્વનાથ પાંચાળે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદર સ્ટેશન-માસ્ટરને કોઈ પૅસેન્જર તરફથી પ્રકાશના હાર્ટ-અટૅકની ફરિયાદ આવી હતી જેથી તેમણે આ બાબતની અમને જાણ કરી હતી. અમે ટ્રેન પર જઈને પ્રકાશની બૉડીને ટ્રેનમાંથી ઉતારી હતી. ત્યાર બાદ તેને અમે સાયન હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ પ્રકાશને મૃત જાહેર કર્યો હતો.

કાર્ડિયોલૉજિસ્ટ શું કહે છે?

ઘાટકોપરમાં ૧૯૮૯થી પ્રૅક્ટિસ કરી રહેલા કોર્ડિયોલૉજિસ્ટ ડૉ. જિતેશ દેસાઈએ યુવાનોના નાની ઉંમરમાં થતા કાર્ડિઍક પ્રૉબ્લેમ બદલ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારા અભ્યાસ મુજબ મુખ્યત્વે નાની ઉંમરમાં તમાકુ-સિગારેટની આદત તથા સ્ટ્રેસભર્યું જીવન એ અત્યારના કાળમાં યુવાનોને થતા કાર્ડિઍક પ્રૉબ્લેમનાં મુખ્ય બે કારણો છે. મુંબઈનું જીવન આમ પણ  દોડાદોડ અને સ્ટ્રેસભર્યું છે. અત્યારની લાઇફ-સ્ટાઇલ લોકોની બદલાઈ ગઈ છે. જીવનની અનિયમિતતા, ખાવાના સમયમાં અને સૂવાના સમયની અનિયમિતતાની સાથે ફિઝિકલ ઍક્ટિવિટીઝ હવે ખૂબ ઘટી ગઈ છે. જૉબમાં પણ આજના યુગમાં ટેન્શન અને સ્ટ્રેસ રહે છે, જેને કારણે આજના યુવાનોમાં ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ વધવા જેવી સામાન્ય બીમારી બની ગઈ છે. લૉકડાઉનમાં અમુક મહિનાઓ લોકો ઘરમાં રહ્યા અને આરામ કર્યો, પણ ત્યાર પછી ફરી દોડાદોડ શરૂ થઈ ગઈ છે. અનેક લોકો જૉબ ગુમાવી દેવાથી અને બિઝનેસમાં ઘટાડો થવાથી આર્થિક સંકટ સામે લડી રહ્યા છે, જેને લીધે તેમનું જીવન સ્ટ્રેસમય બની ગયું છે. આ પણ અત્યારના કાર્ડિઍક પ્રૉબ્લેમનું એક કારણ છે.

mumbai mumbai news bandra andheri mumbai local train fort