૧ ચોર, ૧૬ ચોરી

03 December, 2020 07:52 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

૧ ચોર, ૧૬ ચોરી

૧૬ જેટલી ચોરીના આરોપસર પકડાયેલો આરોપી રાજેન્દ્ર પટેલ.

કાંદિવલી પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ પહેલાં એક ચોરીનો (હાઉસબ્રેકિંગ થેફ્ટ) ગુનો નોંધાયો હતો. પીએસઆઇ દીપક હિંડેએ એની તપાસ આદરી હતી. હાલ મુંબઈ પોલીસના ઝોન-૧૧ના ડીસીપી વિશાલ ઠાકુરની સ્પેશ્યલ સ્ક્વૉડમાં કામ કરી રહેલા પીએસઆઇ હિંડે દોઢ વર્ષથી એ કેસ ઉકલેવા મહેનત કરી રહ્યા હતા. આખરે તેમની મહેનત રંગ લાવી હતી અને મંગળવારે અંધેરીના જે. બી. નગરથી ૩૮ વર્ષના રાજેન્દ્ર રમેશ પટેલની ધરપકડ કરી હતી. તેમણે તો માત્ર કાંદિવલીના કેસને આધારે તેની ધરપકડ કરી હતી, પણ ત્યાર બાદ આરોપી રાજેન્દ્ર પટેલની પૂછપરછમાં તેણે ૧૬ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું અને આમ ચોરીના ૧૬ કેસ એકસાથે ઉકેલાઈ ગયા હતા. વળી આ તો પોલીસ ચોપડે નોંધાયેલા કેસની વાત છે બાકી તેણે આના કરતાં વધુ ચોરી કરી હોવાની શક્યતા છે એમ પીએસઆઇ દીપક હિંડેએ જણાવ્યું હતું. 

કઈ રીતે ચોરી કરતો?

રાજેન્દ્ર પટેલ કઈ રીતે ચોરી કરતો હતો એ વિશે માહિતી આપતાં દીપક હિંડેએ વધુમાં કહ્યું હતું કે ‘ચાલાક રાજેન્દ્ર જાણે કામ પર જઈ રહ્યો હોય એમ પોતાની બૅગપૅક લઈને નીકળતો. તે અંધેરીથી ટ્રેન પકડી બોરીવલી દરમિયાન કોઈ પણ સ્ટેશન પર ઊતરી જતો. ત્યાર બાદ સ્ટેશનની આસપાસના ત્રણ- ચાર માળવાળા મકાનની પહેલાં બહારથી રેકી કરતો. જે ઘરનાં બારી બારણાં બંધ દેખાય એ નોંધી લેતો. ત્યાર બાદ મકાનમાં ટૉપ ફ્લોર સુધી ચડી જતો અને ત્યાર બાદ નીચે ઊતરતી વખતે જે ફ્લૅટ બંધ દેખાય, તાળું દેખાય એમાં તાળું તોડી ઘૂસી જતો. વળી ઘરમાં જઈ માત્ર કબાટ જ તોડતો અને એમાંથી સોનું, ચાંદી અને રોકડની જ ચોરી કરતો. અન્ય કોઈ જગ્યાએ તે હાથ લગાડતો નહીં. તાળાં તોડવામાં એટલો માહેર હતો કે પાંચથી ૧૦ મિનિટમાં એ ઘરમાં પ્રવેશી ચોરી કરી પસાર થઈ જતો અને કોઈને ગંધ પણ ન આવતી.’

જુગારની લતે ચોરીના રવાડે ચડાવ્યો

રાજેન્દ્ર અંધેરી ઇસ્ટમાં ચકાલા પાસે ડૉક્ટર ચરણસિંહ કોલોની પાસે આવેલી લલ્લુ હરકા ચાલમાં પરિવાર સાથે રહે છે. તેની પત્ની સ્કૂલમાં સર્વિસ કરે છે તેને એક ૧૨ વર્ષનો દિકરો પણ છે. પત્ની સ્કૂલ જતી ત્યારે આ કામ પર નીકળી જતો. પત્નીને કહેતો કે ગેરેજમાં છૂટક કામ કરું છું પણ એ ચોરી કરવા નીકળી જતો. પત્ની ઘરે પાછી આવે એ પહેલા ચોરી કરી કામ પતાવી ઘરે આવી જતો. ઘરમાં બહુ બધા પૈસા ન આપતો. તેને પત્તાનો જુગાર રમવાની લત હતી એથી ચોરી કરવાના રવાડે ચડ્યો હતો.

કઈ રીતે પકડાયો?

પીએસઆઇ દીપક હિંડેએ કહ્યું હતું કે હું છેલ્લા દોઢ વર્ષથી તેને શોધી રહ્યો હતો. એ ચોરી વખતે તેનો એક સીસીટીવીમાં ફોટો મળ્યો હતો જેમાં માત્ર તેના પર શંકા હતી. એ ફોટો અમે ખબરી નેટવર્કમાં સર્ક્યુલેટ કર્યો હતો પણ તેની કોઈ ભાળ નહોતી મળી રહી. એક ખબરીએ કેટલાક દિવસ પહેલાં એક ગૅરેજવાળાને એ ફોટો બતાવ્યો હતો ત્યારે ગૅરેજવાળાએ કહ્યું કે આ માણસ મારે ત્યાં ગાડી રિપેર કરાવવા આવે છે, પણ ક્યાં રહે છે, શું કરે છે એ વિશે મને વધુ જાણ નથી. એથી એ માહિતીના આધારે વૉચ રાખી અને આખરે મંગળવારે તે ગૅરેજ પર આવ્યો ત્યારે તેને ઝડપી લીધો હતો. તેણે કાંદિવલીમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું પણ સાથે જ અન્ય ૧૬ જગ્યાએ ચોરી કરી હોવાનું તેની પૂછપરછમાં બહાર આવ્યું હતું. તે કોઈ ગૅન્ગ સાથે સંકળાયેલો નહોતો અને એકલો જ ચોરી કરતો હતો અને એક પણ વાર પકડાયો ન હોવાથી તેનો કોઈ જ રેકૉર્ડ નહોતો. અમે તેણે ચોરીનો માલ કોને-કોને વેચ્યો છે એની માહિતી મેળવી છે અને હવે એ ચોરીની મત્તા પાછી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’

mumbai mumbai news kandivli mumbai police andheri