વરસાદમાં ૩૬,૦૦૦ લોકો દોડ્યા થાણેની મૅરથૉનમાં

29 August, 2012 08:25 AM IST  | 

વરસાદમાં ૩૬,૦૦૦ લોકો દોડ્યા થાણેની મૅરથૉનમાં

આ વર્ષની આ મૅરથૉનનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રીભ્રૂણહત્યા સામે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો, જેમાં પુરુષોના વર્ગમાં પુણેની આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યુટનો કરણસિંહ ધાવલે ૨૧ કિલોમીટર રેસમાં અને મહિલાઓમાં નાશિક ડિસ્ટ્રિક્ટ ઍથ્લેટિક અસોસિએશનની મોનિકા આથરે ૧૫ કિલોમીટરની રેસમાં વિજયી થયાં હતાં. કરણસિંહે ૨૧ કિલોમીટરનું અંતર ૧ કલાક ૮ મિનિટ ૨૭ સેકન્ડમાં અને મોનિકા આથરેએ ૧૫ કિલોમીટરનું અંતર ૫૩ મિનિટ ૫૪ સેકન્ડમાં પાર કરી અનુક્રમે ૫૧,૦૦૦ અને ૩૫,૦૦૦ રૂપિયાનાં રોકડ ઇનામ મેળવ્યાં હતાં.

 

સવારે ૭.૩૦ વાગ્યે થાણે પાલિકા ભવનના મુખ્ય ચોકમાં સ્પર્ધકો સાથે થાણેના નાગરિકો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. તેઓએ ‘માઝે થાણે સુંદર થાણે’ના સ્લોગનનો પોકાર કર્યો હતો અને ‘તું ભાગ’ એવું પ્રોત્સાહન એકબીજાને આપ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ થાણે સુધરાઈએ  સ્ત્રીભ્રૂણહત્યાના વિરોધમાં સામાજિક સંદેશ આપી આ સ્પર્ધાનું આયોજન કરી સમાજ સામે એક અલગ આદર્શ બની હતી.

થાણે જિલ્લા પ્રમુખ અને વિધાનસભ્ય એકનાથ શિંદે, વિધાનસભ્ય રાજન વિચારે, પ્રતાપ સરનાઈકની હાજરીમાં અને મેયર હરીશચંદ્ર પાટીલની અધ્યક્ષતા હેઠળ ધજા ફરકાવી આ મૅરથૉનની શરૂઆત કરવામાં આવી હતી. એ સમયે ડેપ્યુટી મેયર મિલિંદ પાટણકર, સભાગૃહ નેતા નરેશ મ્હસ્કે, વધારાના કમિશનર એલ. આર. ગુપ્તા, નગરસેવક દશરથ પાલાંડે, સંજય મોરે, રાજન કિણે, શિવસેનાના ઘટનેતા સંતોષ વડવલે, સંજય વાઘુલે, ઉમેશ પાટીલ, ભૂતપૂર્વ મેયર અશોક વૈતી, મંદાર વિચારે, પ્રકાશ કદમ, ડૉ. જિતેન્દ્ર વાઘ, બાલાજી કાકડે, લૉરેન્સ ડિસોઝા, નગરસેવિકા સંધ્યા મોરે, નંદિતા વિચારે, સારિકા સંજય સોનાર, કલ્પના હરિશ્ચંદ્ર પાટીલ, વિશાખા ખતાળ, પૂજા વાઘ, સ્નેહા પાટીલ, નમ્રતા ભોસલે, રાધા ફત્તેબહાદુર સિંહ, વિજયા લાસે, સુજાતા પાટીલ, વિમલ ભોઈર, બિંદુ મઢવી, અશિવની જગતાપ, ભૂતપૂર્વ નગરસેવક રામ રેપાળે, સંજય સોનાર જેવાં અનેક મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેના હસ્તે મહારાષ્ટ્રના આરાધ્યદેવ છત્રપતિ શિવાજી મહારાજ, સ્વર્ગવાસી આનંદ દિઘે, સ્વર્ગવાસી મીનાતાઈ ઠાકરેનું પુષ્પહાર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.

બધા વિજેતાઓને શિવસેનાના થાણે જિલ્લા પ્રમુખ અને વિધાનસભ્ય એકનાથ શિંદે, વિધાનસભ્ય રાજન વિચારે, પ્રતાપ સરનાઈક, મેયર હરિશ્ચંદ્ર પાટીલ, ડેપ્યુટી મેયર મિલિંદ પાટણકર, સભાગૃહ નેતા નરેશ મ્હસ્કે, વધારાના કમિશનર એલ. આર. ગુપ્તા વગેરે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા હતા.