09 September, 2024 12:39 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
ગણેશોત્સવ
શનિવારથી મહારાષ્ટ્રના સૌથી મોટા તહેવાર ગણેશોત્સવની શરૂઆત થઈ છે ત્યારે ગઈ કાલે બીજા દિવસે પુણેના વિખ્યાત શ્રીમંત દગડુશેઠ ગણપતિ સામે સવારના સમયે ઋષિપંચમી નિમિત્તે સ્ત્રીશક્તિનો મહાસાગર જોવા મળ્યો હતો. ઓમ નમસ્તે ગણપતયે... ઓમ ગં ગણપતયે નમઃ... મોરયા, મોરયા...ના જયઘોષ સાથે ૩૫,૦૦૦ મહિલાઓએ સામૂહિક રીતે અથર્વશીર્ષ જાપ કરીને ગણપતિદાદાને નમન કર્યું હતું. આ સામૂહિક જાપ કરવા માટે શનિવારે મોડી રાત્રે એક વાગ્યાથી મહિલાઓ દગડુશેઠ ગણપતિબાપ્પા સામે પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈને પહોંચવાની શરૂઆત થઈ હતી.
શ્રીમંત દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ, સુવર્ણયુગ તરુણ મંડળ દ્વારા ૧૩૨મા વર્ષ નિમિત્તે સામૂહિક અથર્વશીર્ષ જાપ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારના આ કાર્યક્રમમાં સામેલ થયેલી મહિલાઓએ શંખનાદ કર્યો હતો. બાદમાં તેમણે મન શાંત કરનારા ઓંકાર જાપ અને અથર્વશીર્ષના ૐ ગં ગણપતયે નમઃ। એકદંતાય વિધ્ મહે। વક્રતુણ્ડાય ધીમહિ। તન્નો દંતી પ્રચોદયાત। મંત્રોચ્ચાર બે હાથ ઉપર કરીને કર્યો હતો. પછી મહાઆરતી કરવામાં આવી હતી. પુણે, મુંબઈ, લાતુર, કોલ્હાપુર અને નાશિક સહિત મહારાષ્ટ્રનાં વિવિધ સ્થળોએથી દગડુશેઠ ગણપતિબાપ્પા પાસે ૩૫,૦૦૦ મહિલાઓએ એકસાથે અથર્વશીર્ષ કરવાનું આ પહેલું આયોજન છે એટલે એની નોંધ ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકૉર્ડે લીધી હોવાનું જાણવા મળ્યું હતું.