બેસ્ટની બસની ટક્કરમાં ૩૫ વર્ષની મહિલાનું મૃત્યુ

09 December, 2020 10:15 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

બેસ્ટની બસની ટક્કરમાં ૩૫ વર્ષની મહિલાનું મૃત્યુ

બાઇકને અડફેટે લઈને મહિલાનાં મૃત્યુ માટે જવાબદાર બેસ્ટની બસ

થાણેમાં તીનહાથા નાકા પાસે ગઈ કાલે બપોર બાદ એક બાઇક અકસ્માતમાં ૩૫ વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું. તે જેની સાથે બાઇક પર હતી તે યુવકને માથામાં ગંભીર ઈજા થતાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પાછળથી આવી રહેલી બેસ્ટની બસે બાઇકને અડફેટે લેતાં આ અકસ્માત થયો હોવાનું પોલીસે કહ્યું હતું. બસ બાઇકની સાથે મહિલા પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ગઈ કાલે બપોરે ચાર વાગ્યે બાઇક પર પ્રમોદ સેમ અને સમીષા પરબ થાણે તિનહાથ નાકાથી મુંબઈની દિશામાં જઈ રહ્યાં હતાં. એ સમયે પાછળ પૂરપાટ વેગે આવી રહેલી બેસ્ટની ૪૨ નંબરની બસે બાઇકને અડફેટે લીધી હતી.

આ અકસ્માતમાં બાઇક પડી જવાથી પ્રમોદ અને સમીષા માથાભેર પડ્યાં હતાં. સમીષા બસની અડફેટે આવતાં તેનું માથું કચડાઈ જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે બાઇક ચલાવી રહેલા પ્રમોદને પણ માથામાં ગંભીર ઈજા થઈ હતી.

નાગપાડા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પ્રંશાત આવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃતક મહિલાની બૉડી પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી છે. તેઓ થાણેથી મુંબઈની દિશામાં બાઇક પર પ્રવાસ કરી રહ્યા હતા. સમીષા દિવાની રહેવાસી છે, જ્યારે પ્રમોદ થાણેના લોકમાન્ય નગરનો રહેવાસી હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાયું છે. બસ-ડ્રાઇવર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.’

mumbai mumbai news thane brihanmumbai electricity supply and transport