લગ્નમાં વતન ગયેલા મીરા રોડના જ્વેલરે કોરોનામાં જીવ ગુમાવ્યો

10 May, 2021 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા રોડના કાશીગાંવ વિસ્તારમાં જ્વેલરી શૉપ ધરાવતા ૩૫ વર્ષના રાજસ્થાની દુકાનદાર મુકેશ પ્રજાપતિનું શનિવારે તેમના વતનમાં કોવિડનું સંક્રમણ થવાને લીધે મૃત્યુ થયું હતું.

કાશીગાંવના સાંઈકૃપા જ્વેલર્સના મુકેશ પ્રજાપતિ.

મીરા રોડના કાશીગાંવ વિસ્તારમાં જ્વેલરી શૉપ ધરાવતા ૩૫ વર્ષના રાજસ્થાની દુકાનદાર મુકેશ પ્રજાપતિનું શનિવારે તેમના વતનમાં કોવિડનું સંક્રમણ થવાને લીધે મૃત્યુ થયું હતું. દુકાનદાર ૧૦ દિવસ પહેલાં પરિવારમાં આયોજિત લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં તેમને કોરોનાનું સંક્રમણ થયા બાદ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મુકેશ પ્રજાપતિ જ્વેલરીનું કામકાજ કરવાની સાથે બીજેપીના સ્થાનિક યુનિટ સાથે સંકળાયેલા હતા.

મીરા રોડના કાશીગાંવ વિસ્તારના બીજેપીના ભૂતપૂર્વ નગરસેવક અને જ્વેલરી અસોસિએશન સાથે સંકળાયેલા અનિલ ભોસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં સાંઈકૃપા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ૩૫ વર્ષના મુકેશ પ્રજાપતિ ૧૦ દિવસ પહેલાં તેમના રાજસ્થાનમાં આવેલા ગામમાં લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ગઈ કાલે સમાચાર આવ્યા હતા કે મુકેશનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું. આ ખૂબ જ ચોંકાવનારું છે. આ બનાવની જાણ અમને મુકેશના ગામની બાજુમાં રહેતા એક ઓળખીતાએ કરી હતી. અત્યારે મુકેશના પરિવારજનોના બધા નંબર બંધ આવી રહ્યા હોવાથી તેને કોરોનાનું સંક્રમણ ક્યારે થયું હતું અને બીજા કોઈને પણ કોરોના લાગુ થયો છે કે કેમ એ જાણી શકાયું નથી.’મુકેશ પ્રજાપતિના અવસાનના સમાચાર વહેતા થયા બાદ અહીંના ઝવેરીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. 

mumbai mumbai news mira road maharashtra