નાના ભાઈને સુસાઇડ સાથે કરવાની સલાહ આપનાર ગુજરાતીએ કરી લીધી આત્મહત્યા

14 February, 2021 08:21 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

નાના ભાઈને સુસાઇડ સાથે કરવાની સલાહ આપનાર ગુજરાતીએ કરી લીધી આત્મહત્યા

બોરીવલી (વેસ્ટ)ની નાટકવાલા લેનમાં ધવલ જોષી જ્યાં રહેતો હતો એ માધવ નિવાસ.

બોરીવલી-વેસ્ટના નાટકવાલા લેનના માધવ નિવાસમાં રહેતા ૩૫ વર્ષના ધવલ અતુલ જોષીએ હતાશામાં આવી જઈને ૧૧ ફેબ્રુઆરીએ કરુણા હૉસ્પિટલની બાજુમાં આવેલા ઓપન પ્લૉટ પર એક વૃક્ષને દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

જોકે આત્મહત્યા કરવાના બે દિવસ પહેલાં તેણે તેના નાના ભાઈ અભિષેકને કહ્યું હતું કે આપણે બન્ને કાંઈ કમાતા નથી. પપ્પાના જ સહારે જીવીએ છીએ એના કરતાં ચાલ આપણે બન્ને જીવન ટૂંકાવી દઈએ. જોકે નાના ભાઈએ તેને સમજાવવાની બહુ કોશિશ કરી જોઈ હતી, પણ એ કોશિશ નાકામિયાબ રહી અને આખરે ગુરુવારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. 

ધવલના પપ્પા અતુલ જોષીએ વિગતો આપતાં કહ્યું કે ‘ધવલ પહેલાં જૉબ કરતો હતો, પણ છેલ્લા ઘણા વખતથી બેકાર હતો. એમાં પત્ની સાથે તેને મતભેદ થતાં પત્ની પિયર ચાલી ગઈ હોવાથી તે હતાશામાં સરી પડ્યો હતો. અમે તેની દવા પણ કરાવી હતી. મારો નાના દીકરો અભિષેક પણ હાલમાં બેકાર છે છતાં મારું નાનું-મોટું કામ ચાલતું હોવાથી અમે તેમને સંભાળી લીધા હતા. મેં પણ ધવલને હિંમત બંધાવતાં કહ્યું હતું કે ગભરા નહીં, સારા દિવસ આવશે. હમણાં તારે જેકાંઈ જોઈતું હોય તો મને કહી દે, હું તારો બાપ બેઠો છું. તારે ગભરાવાની જરૂર નથી. જેટલું થશે એટલું કરીશું, પણ તું હિંમત ન હારતો.’

ઘટનાના બે દિવસ પહેલાં એકદમ નાસીપાસ થઈ ગયેલા ધવલે અભિષેકને કહ્યું કે આપણે બન્ને ભાઈઓ કાંઈ કમાતા નથી અને પપ્પા પર જ ડિપેન્ડ છીએ એ સારું ન કહેવાય. આપણે બન્ને જીવન ટૂંકાવી દઈએ, પણ અભિષેકે તેને કહ્યું હતું કે તું ચિંતા ન કર, પપ્પા મજબૂત છે. હમણાં આપણો ટાઇમ ખરાબ છે. પછી નોકરી પણ મળશે અને સારા દિવસો પણ આવશે, પરંતુ તેની એ સમજાવટ પણ કારગત નહોતી નીવડી અને આખરે હતાશામાં સરી પડેલા ધવલે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું.’

mumbai mumbai news borivali