રાજ્યની 288 વિધાનસભા બેઠક પર 3239 ઉમેદવાર મેદાનમાં

09 October, 2019 01:07 PM IST  |  મુંબઈ

રાજ્યની 288 વિધાનસભા બેઠક પર 3239 ઉમેદવાર મેદાનમાં

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે રાજ્યભરમાં ૧૫૦૪ ઉમેદવારોએ ચૂંટણી લડવાનું માંડી વાળ્યું હતું. આ સાથે જ હવે ૨૮૮ વિધાનસભા બેઠક પર ૩૨૩૯ ઉમેદવારે ચૂંટણી લડવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. રાજ્યના તમામ જિલ્લામાં પુણેમાં ૨૧ બેઠક પર સૌથી વધુ ૨૪૬ ઉમેદવાર તો સિંધુદુર્ગમાં ૩ બેઠક પર ૨૩ ઉમેદવાર મેદાનમાં હોવાનું ઍડિશનલ ચૂંટણી અધિકારી દિલીપ શિંદેએ જણાવ્યું હતું.

૨૧ ઑક્ટોબરે યોજાનારી રાજ્યની વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર થવાની સાથે હવે કઈ બેઠક પર કેટલા ઉમેદવાર છે એ સ્પષ્ટ થઈ ગયું છે. નવરાત્રોત્સવ પૂરાં થતાં જ દશેરાની ઉજવણીમાં તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીપ્રચારના શ્રીગણેશ કર્યા બાદ આજથી તમામ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે મેદાનમાં ઊતરશે.

રાજ્યની તમામ વિધાનસભા બેઠકમાં દક્ષિણ નાંદેડમાં સૌથી વધુ ૩૮ ઉમેદવાર તો રત્નાગિરિના ચિપલૂણમાં માત્ર ૩ ઉમેદવાર જ ચૂંટણી લડી રહ્યા છે.

મુંબઈ, આસપાસની ૬૭ બેઠકોમાં ૬૮૪ ઉમેદવારમુંબઈ શહેરની ૧૦ બેઠક પર ૮૯, ઉપનગરની ૨૬ બેઠકમાં ૨૪૪, થાણેની ૧૮ બેઠકમાં ૨૧૩, પાલઘરની ૬ બેઠકમાં ૫૩ અને રાયગઢની ૭ બેઠકમાં ૮૪ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

૪ બેઠકમાં ૩ તો ૩૦ બેઠકમાં ૨ બૅલટ યુનિટ

એક ઈવીએમ મશીન સાથે ૧૬ બૅલટ યુનિટની લિમિટ છે. ૧૬થી વધુ ઉમેદવાર હોય તો મશીન સાથે ૨ બૅલટ અને ૩૨થી વધુ ઉમેદવાર હોય તો આવાં ૩ બૅલટ યુનિટ લગાવવા પડે. દક્ષિણ નાંદેડ, બીડ, ઔરંગાબાદ-પૂર્વ, જાલનામાં ૩૨થી વધુ ઉમેદવાર હોવાથી ૩ બૅલટ યુનિટ લગાવાશે. આવી જ રીતે ૩૦ બેઠકમાં ૧૬થી વધુ ઉમેદવાર મેદાનમાં હોવાથી અહીં ૨ બૅલટ યુનિટ મુકાશે. એક ઈવીએમ મશીનમાં વધુમાં વધુ ૬૪ ઉમેદવારનાં નામનો સમાવેશ થઈ શકે છે. નાંદેડ જિલ્લાની ભોકર બેઠકમાં આવી શક્યતા હતી. અહીં ૯૧ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે આમાંથી ૮૪ લોકોએ નામ પાછાં ખેંચી લેવાથી બીજું ઈવીએમ મશીન મૂકવાની જરૂર નહીં પડે.

મતદાન વધારવા કેન્દ્રને ગૂગલ ટૅગ કરવામાં આવશે

મે મહિનામાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પુણેમાં ૪૯.૮૪ ટકા જેટલું ખૂબ ઓછું મતદાન થયું હોવાથી ચૂંટણી વિભાગ દ્વારા અહીં વધુ લોકો મતદાન કરી શકે એ માટે મતદાન કેન્દ્રોને ગૂગલ ટૅગ કરવાનો નિર્ણય લીધો છે. આથી મતદારો તેમના ઘરની નજીકના મતદાન કેન્દ્રની માહિતી મેળવી શકશે.

પુણે શહેર સહિત જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકોનાં તમામ મતદાન કેન્દ્ર ગૂગલ મૅપમાં ટૅગ કરવામાં આવશે. આથી મતદારો પોતાના ઘરની નજીક કયું મતદાન કેન્દ્ર છે, કેટલા અંતરે છે એ જાણી શકશે. સામાન્ય રીતે ગૂગલ મૅપ પર એટીએમ સેન્ટર, હોટેલ, હૉસ્પિટલ કે સ્કૂલ સહિતની માહિતી મળતી હોય છે; પણ મતદાન કેન્દ્રની માહિતી આ માધ્યમથી લોકોને મળે એવો આ પહેલો પ્રયોગ છે.

આ પણ વાંચો : ઉદ્ધવનો હુંકાર, મહારાષ્ટ્રમાં ફરી પાછો ભગવો લહેરાશે

શહેરમાં ૨૬ હજાર મતદારો વધ્યા

લોકસભા ચૂંટણીથી વિધાનસભા ચૂંટણી દરમ્યાન શહેરમાં ૨૬,૧૯૮ મતદારોની સંખ્યા વધી છે. ઑનલાઈન નોંધણીમાં કોલાબામાં મતદારોની સંખ્યા સૌથી વધુ છે, જ્યારે ઑફલાઈનમાં હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા વરલી મતદારસંઘની સંખ્યા વધુ છે. મુંબઈ શહેરના ૧૦ વિધાનસભા મતદારસંઘમાં અત્યાર સુધી ૨૬,૧૯૮ મતદારોની સંખ્યા વધી છે. એ પૈકી ૯૦ મતદાર એનઆરઆઇ છે. દરમ્યાન ૧૨,૯૦૫ મતદારોએ ઑનલાઈન અરજી કરી હતી. એ પૈકી ૧૨,૪૯૯ મતદારોનાં નામ યાદીમાં સમાવવામાં આવ્યાં છે. ૧૮,૯૭૦ મતદારોએ ઑફલાઈન અરજી કરી હતી, જેમાંથી ૪૮૮૯ અરજી વિવિધ કારણોથી રદ કરવામાં આવી હતી અને ૧૩,૬૦૯ મતદારોને યાદીમાં સમાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી માટે મતદારયાદીમાં નવા મતદારોને સમાવવા માટેની અંતિમ તારીખ ૨૪ સપ્ટેમ્બર હતી.

maharashtra Election 2019 mumbai news