Mumbai : ચોરો ભીંતમાં ખાતર પાડી ૯ કરોડનું સોનું લઈને છૂ થઈ ગયા

27 December, 2016 03:31 AM IST  | 

Mumbai : ચોરો ભીંતમાં ખાતર પાડી ૯ કરોડનું સોનું લઈને છૂ થઈ ગયા



વિનય દળવી

થાણે જિલ્લાના ઉલ્હાસનગરના લાલચોક વિસ્તારમાં સાંઈકૃપા પૅલેસમાં આવેલી મણપ્પુરમ ગોલ્ડ લોનની ઑફિસમાંથી બે વૉચમેનો લગભગ ૯ કરોડ રૂપિયાનું ૩૫ કિલો સોનું ચોરીને ફરાર થઈ ગયા છે.

આ વૉચમેનોની કાર્યપદ્ધતિ રસપ્રદ છે. તેમણે ઑફિસની પાછળની ભીંતમાં બાકોરું પાડ્યું હતું અને ત્યાંથી ઑફિસના ટૉઇલેટમાં દાખલ થયા હતા. ટૉઇલેટમાંથી ઑફિસની અંદર પહોંચી નાના સિલિન્ડર અને ગૅસકટરની મદદથી તિજોરીમાં કાણું પાડી સોનું ચોરીને તેઓ ફરાર થઈ ગયા હતા. ઑફિસની તિજોરી તોડવામાં આવી ત્યારે અલાર્મ વાગ્યું હતું અને મણપ્પુરમની વિજિલન્સ વિભાગની વૅન ત્યાં પહોંચી હતી, પરંતુ ઑફિસનું તાળું અકબંધ જોઈને એ પાછી ચાલી ગઈ હતી.

વિઠ્ઠલવાડી પોલીસ-સ્ટેશને બે વૉચમેન દીપક થાપા અને માનસિંહ થાપા વિરુદ્ધ ચોરી અને ઘરફોડીનો કેસ નોંધ્યો છે.


પોલીસના જણાવ્યા મુજબ એને સોમવારે સવારે આ ચોરીની જાણ કરવામાં આવી હતી. પોલીસને માહિતી આપવામાં આવી હતી કે શનિવારે અને રવિવારે ઑફિસ બંધ હતી. સોમવારે સવારે મણપ્પુરમ ગોલ્ડ લોનના એક કર્મચારીએ ઑફિસ ખોલી હતી અને સોનું ગાયબ થયેલું જોવા મળ્યું હતું. આ સાથે જ સોસાયટીનો એક વૉચમૅન દીપક થાપા ગુમ હતો, જ્યારે ઑફિસનો વૉચમૅન હાજર હતો.

પોલીસે માહિતી આપી હતી કે મણપ્પુરમ ગોલ્ડ લોનની આ ઑફિસ સાંઈકૃપા સોસાયટીમાં આવેલી છે. આ ઑફિસની બરાબર પાછળ બિલ્ડિંગમાં દાખલ થવાનો દાદર છે. આ દાદરની નીચે એક નાના વિસ્તારમાં સોસાયટીનો વૉટર-પમ્પ બેસાડવામાં આવ્યો છે. બિલ્ડિંગનો વૉચમૅન આ વૉટર-પમ્પની રૂમમાં ખાતર પાડીને શોરૂમના ટૉઇલેટ સુધી પહોંચ્યો હતો. ટૉઇલેટનું બારણું ખોલી ઑફિસમાં દાખલ થઈને તેમણે ગૅસ-કટરની મદદથી તિજોરી ખોલી હતી અને ૩૫ કિલો સોનું લઈ ફરાર થઈ ગયો હતો.


પોલીસે જણાવ્યું હતું કે નેપાલનો રહેવાસી માનસિંહ થાપા સોસાયટીમાં વૉચમૅન તરીકે કામ કરતો હતો, પરંતુ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તેણે પોતાનાં લગ્ન થવાનાં હોવાનું જણાવ્યું હતું અને પોતાની જગ્યાએ તેના પિતરાઈ દીપક થાપાને નોકરીએ રાખવા સૂચન કર્યું હતું.

હવે દીપક પણ ફરાર છે અને દીપક અને માનસિંહના મોબાઇલ બંધ છે. પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ અને બિહાર જવા રવાના થઈ છે જ્યાંથી આ થાપાભાઈઓ નેપાલમાં દાખલ થવાની કોશિશ કરશે. પોલીસે જણાવ્યું હતું કે સોસાયટી પાસે વૉચમૅનનો ફોટો નથી અને વૉચમૅને ભાગી જતી વખતે સોસાયટીના ઘ્ઘ્વ્સ્ કૅમેરાના વાયર કાપી નાખ્યા હતા.

રોકાણકારોમાં ગભરાટ


મણપ્પુરમ ગોલ્ડ લોનની આ બ્રાન્ચમાં સોનું રાખનારા રોકાણકારોમાં ચોરીને લીધે ગભરાટ ફેલાયો હતો અને તેઓ બ્રાન્ચની બહાર એકઠા થવા લાગ્યા હતા. એક મહિલા રોકાણકારે નિસાસો નાખતાં કહ્યું હતું કે ‘મેં એક લાખ રૂપિયાની લોન લીધી છે, પરંતુ એની સામે લગ્નના મારા દાગીના ગિરવી મૂક્યા હતા. હવે એ ચોરાઈ ગયા છે. ગોલ્ડ લોન કંપની કહે છે કે તેઓ સોનું પાછું આપશે. મેં મારાં લગ્નનાં ઘરેણાં ગુમાવ્યાં છે; પરંતુ હવે આશા રાખું છું કે ગોલ્ડ લોન કંપની કોઈ અન્ય ઘરેણાં પાછાં આપશે, કારણ કે મને રોકડ રકમ લેવામાં રસ નથી.’