'સૌ ચાલો યુ-ટર્ન લઈએ' સ્કીમમાં ૩૦,૫૪૫ જૈનો જોડાયા

15 May, 2020 10:30 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

'સૌ ચાલો યુ-ટર્ન લઈએ' સ્કીમમાં ૩૦,૫૪૫ જૈનો જોડાયા

પ્રતીકાત્મક તસવીર

દેશ આખો જ્યારે કોરોનાના સંકટનો સામનો કરી રહ્યો છે ત્યારે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે જૈનાચાર્ય શ્રી અભયશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી હેમશેખર મ.સા.ની પ્રેરણાથી સમકિત ગ્રુપ દ્વારા જાહેર કરાયેલી સ્કીમમાં ૩૦,૫૪૫ જૈનો જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું.
કોરોનાના સંકટના સમયે જરૂરિયાતમંદોની મદદ કરવી એ સાચો માનવધર્મ છે અને એટલે મુનિશ્રી હેમશેખર મ.સા.એ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના સમૃદ્ધ જૈન પરિવારોને એક વર્ષ મોજમજાનો ત્યાગ કરીને કર્તવ્યનું પાલન કરવાની પ્રેરણા આપતો પત્ર લખ્યો હતો, જેમાંથી પ્રેરણા લઈને સમકિત ગ્રુપે મહારાજસાહેબના વિચારને અનુસરવા માટે પાંચ સૂત્રની એક યોજના તૈયાર કરી છે. એક વર્ષ ફરવા વિદેશ ટ્ર‌િપ નહીં, નવો મોબાઇલ નહીં ખરીદીએ, નવું ટૂ-વ્હીલર કે કાર નહીં ખરીદીએ, થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં નહીં જઈએ અને રાત્રે ૧૧થી સવારે ૬ સુધી મોબાઇલનો ઉપયોગ બંધ કરીશું. આ પાંચ વસ્તુઓનો ત્યાગ કરવા માટે ‘સૌ ચાલો યુ-ટર્ન લઈએ’ સ્કીમમાં જોડાવા માટેનું રજિસ્ટ્રેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇનામ પેટે પહેલું ઇનામ ૫૦ ગ્રામ સોનું, બીજા ઇનામમાં ૧૧ લોકોને ૧૦ ગ્રામ સોનું અને ત્રીજા ઇનામરૂપે ૧૧ લોકોને ૧૦૦ ગ્રામ ચાંદી અપાશે. સ્કીમમાં ૮થી ૫૮ વર્ષની વ્યક્તિઓ જોડાઈ છે.
સમકિત ગ્રુપના અલ્પેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કીમ ૩૦ એપ્રિલથી આગળ લંબાવવાની માગણીને ધ્યાનમાં રાખીને અમે થોડા દિવસ સ્કીમમાં જોડાવાનું રજિસ્ટ્રેશન અઠવાડિયું વધાર્યું હતું. આ સ્કીમમાં દેશભરના શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના ૩૦,૫૪૫ સમૃદ્ધ જૈન પરિવારો જોડાયા છે. આટલા બધા પરિવારના મોજશોખના ત્યાગથી અનેક જરૂરિયાતમંદોને મદદ થઈ શકશે.’

mumbai mumbai news coronavirus covid19