મોટી કમાણીની લાલચ આપીને વસઈમાં ૩૦૦ લોકો સાથે છેતરપિંડી કરાઈ

09 March, 2020 05:56 PM IST  |  Mumbai Desk

મોટી કમાણીની લાલચ આપીને વસઈમાં ૩૦૦ લોકો સાથે છેતરપિંડી કરાઈ

પ્રતીકાત્મક તસવીર

વસઈમાં પેન્સિલ બનાવવાનું મશીન આપીને બદલામાં મોટી કમાણી કરવાની લાલચ આપીને કથિત રીતે ત્રણસો જેટલા લોકોને છેતરવાનો મામલો પોલીસમાં નોંધાયો છે. કંપની દ્વારા પચાસ હજારથી અઢી લાખ સુધીના પેન્સિલ બનાવવાનાં મશીન ખરીદ્યા બાદ કંપનીએ તૈયાર માલ ન લેતાં ફસાયેલા લોકોએ નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ વસઈમાં દત્તાત્રય શૉપિંગ સેન્ટરમાં એક પ્રાઇવેટ કંપનીએ કેટલાક લોકોને પેન્સિલ બનાવવાના મશીન પચાસથી અઢી લાખ રૂપિયાની કિંમતમાં વેચ્યા હતા. કંપની દ્વારા લોકોને મશીન ખરીદવાની સાથે કાચો માલ પૂરો પડાયો હતો અને તૈયાર માલ ખરીદીને ઊંચું વળતર આપવાનું કહ્યું હતું. અનેક લોકોએ કમાણી કરવાની લાલચમાં આ કંપની પાસેથી મશીનો ખરીદ્યાં હતાં. જોકે બાદમાં કંપનીના માલિક પલાયન થઈ ગયા છે અને મૅનેજર લોકોને બરાબર જવાબ ન આપતા હોવાની લોકોએ ફરિયાદ કરી છે.

વસઈના માણિકપુર પોલીસ સ્ટેશનમાં કંપની સામે ફરિયાદ કરનારા લોકોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે પેન્સિલ બનાવીને સારી કમાણી કરવાની લાલચમાં અમે કંપની પાસેથી મશીનો ખરીદ્યાં હતાં. બધા સામાન્ય વર્ગના લોકો છીએ. અમારી પાસે જે કંઈ મૂડી હતી એ ડૂબી ગઈ છે. મશીન ખરીદીને અમે પસ્તાઈ રહ્યા છીએ. અમારા અંદાજ મુજબ ૩૦૦ લોકો આ કંપનીની લાલચમાં આવીને ફસાયા છીએ. અમારા અંદાજ મુજબ કંપનીએ ૫થી ૬ કરોડ રૂપિયાનાં મશીન વેચ્યાં છે.

માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કંપની દ્વારા ઘરબેઠાં કામ કરીને રૂપિયા કમાવાની જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાત જોઈને લોકો દત્તાત્રય શૉપિંગ સેન્ટરમાં આવેલી કંપનીમાં પહોંચ્યા હતા અને તેઓ તેમની વાતમાં આવીને મોટી કમાણી કરવાની લાલચમાં ફસાયા છે. ઇન્ટરનૅશનલ કંપનીને નામે આવી લાલચ આપતી કંપનીઓથી સાવધાન રહેવાની અનેક વખત ચેતવણી અપાતી હોવા છતાં લોકો સમજતા નથી અને ફસાય છે. અમે આ કંપની સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.’

mumbai mumbai news Crime News