હની-ટ્રૅપમાં ફસાયા ને ગુમાવ્યા ૩.૨૩ કરોડ

21 November, 2021 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોલ્હાપુરના ખાંડના વેપારી પાસેથી ખંડણી વસૂલનાર મહિલા અને બે પુરુષો અંધેરીમાં પકડાયાં

પ્રતીકાત્મક તસવીર

કોલ્હાપુરના ખાંડના એક વેપારીને ગોવામાં મળેલા ગઠિયાએ ફસાવ્યા બાદ મહિલાની મોહજાળ (હની-ટ્રૅપ)માં ફસાયેલા એ વેપારીએ ૩ વર્ષમાં તેમને ખંડણીરૂપે ૩.૨૩ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. વારંવાર રૂપિયાની માગણીથી કંટાળેલા વેપારીએ આખરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના મરોલ યુનિટમાં ફરિયાદ કરતાં ક્રાઇમ બ્રાન્ચના ઑફિસરોએ એક મહિલા અને બે પુરુષોની ધરપકડ કરી છે અને તેમની એક નાસી ગયેલી સાગરીતને ઝડપી લેવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. 
ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે ‘કોલ્હાપુરનો શુગરનો વેપારી ૨૦૧૬માં ગોવા ગયો હતો. ત્યાં તેની ઓળખાણ મુંબઈના એક વ્યક્તિ સાથે થઈ હતી. તેમણે સાથે પાર્ટી કરી હતી અને ધીમે-ધીમે તેમની વચ્ચે ફ્રેન્ડશિપ થઈ હતી. ૨૦૧૯માં જ્યારે વેપારી મુંબઈ આવ્યો અને અંધેરીમાં એક ફાઇવસ્ટાર હોટેલમાં રહ્યો હતો ત્યારે આરોપીએ તેને હની-ટ્રૅપમાં ફસાવ્યો હતો. એ વ્યક્તિએ તેની બે મહિલામિત્ર સાથે વેપારીને લંચ લેવા કહ્યું હતું અને લંચ હોટેલની રૂમમાં જ મગાવાયું હતું. એ વખતે રૂમમાં આવેલી મહિલા પાસે અમુક ડૉક્યુમેન્ટ્સ હતા. બીજી મહિલા પહેલાંથી નક્કી થયા મુજબ વૉશરૂમમાં ગઈ હતી. એ જ વખતે કોઈકે ડોરબેલ વગાડતાં પ્રથમ મહિલાએ વેપારીને કહ્યું કે મારે કોઈકને ડૉક્યુમેન્ટ્સ દેખાડવાના છે. એમ કહીને તે દરવાજે જઈને તેમના એક સાગરીતને ડૉક્યુમેન્ટ્સ દેખાડવા માંડી હતી. એ વખતે તેણે વેપારીને પોતાની પાસે બોલાવીને તેને બેધ્યાન કર્યો, જેનો ગેરફાયદો વૉશરૂમમાં ગયેલી મહિલાએ ઉપાડ્યો હતો. તે બેડ પર જઈને ગોઠવાઈ ગઈ હતી અને શરીર પર બ્લેન્કેટ ઓઢી લીધી હતી. ત્યાર બાદ દરવાજા પર વેપારી સાથે ઊભેલી મહિલાએ તેના મોબાઇલમાં રેકૉર્ડિંગ શરૂ કર્યું અને વેપારીને ઉદ્દેશીને​ તે બૂમાબૂમ કરવા માંડી. ત્યાર બાદ એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી આપીને તેની ઇજ્જત ધૂળમાં મેળવી દેવાની ધમકી આપીને તેની પાસેથી ૩ વર્ષમાં ૩.૨૩ કરોડ રૂપિયાની ખંડણી વસૂલ કરી હતી.’ 
ક્રાઇમ બ્રાન્ચે ઉમેર્યું કે ‘ત્યાર બાદ એ ટોળકીએ ફરી પાછા તેની પાસે ૧૭ લાખ રૂપિયા માગ્યા હતા, જે તેને અંધેરી-વેસ્ટની કૅફે કૉફી ડેમાં ૧૮ નવેમ્બરે આપવાનું કહ્યું હતું. આરોપીની વારંવારની માગણીથી કંટાળેલા વેપારીએ આખરે અંધેરી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-10માં ફરિયાદ નોંધાવી હતી. વેપારીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને બે આરોપી પુરુષો અને એક આરોપી મહિલાને ઝડપી લીધાં હતાં. કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેમને ૨૫ નવેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમની અન્ય સાગરીત મહિલાની શોધખોળ કરી રહ્યા છે.’ 

Mumbai mumbai news