બોરીવલીમાં ત્રણ યુવાનો ભાડું આપવું ન પડે એ માટે આખી રિક્ષા જ ઉઠાવી ગયા

09 November, 2012 03:02 AM IST  | 

બોરીવલીમાં ત્રણ યુવાનો ભાડું આપવું ન પડે એ માટે આખી રિક્ષા જ ઉઠાવી ગયા

આ હાઈ-ડ્રામામાં ત્રણ યુવકોએ રિક્ષામાં બેસીને એકબીજા સાથે કરોડો રૂપિયાની બનાવટી ડીલની વાતો કરી હતી અને રિક્ષાવાળાને ભરોસો અપાવ્યો હતો કે તેઓ કોઈ મોટી કંપનીના માલિક છે. રિક્ષાવાળાને ભરોસો અપાવ્યા બાદ મોબાઇલનું રીચાર્જ ભરવાના બહાને યુવકોએ રિક્ષા-ડ્રાઇવરને દુકાને મોકલ્યો હતો. જેવો તે થોડે દૂર ગયો એટલે યુવકો રિક્ષા લઈને ભાગી ગયા હતા. ત્યાર બાદ તેઓ એકબીજાને ઘર સુધી મૂકવા પણ ગયા હતા. બોરીવલી પોલીસે છટકું ગોઠવી તેમની ધરપકડ કરી હતી.  બોરીવલીના અસિસ્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શાનપે કહ્યું હતું કે ‘આ સંદર્ભે અમે આરોપી અરવિંદ સુરેશ વૈનભા, ૨૨ વર્ષના ચેતન નલાવડે અને ૨૨ વર્ષના રાધાકૃષ્ણ ઉર્ફે અનિકેત વેલકરની ધરપકડ કરી હતી અને બુધવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. જોકે તેઓ પછીથી જામીન પર છૂટી ગયા હતા.’   આ યુવકો પાસે ઘરે જવા માટે રૂપિયા બચ્યા ન હોવાથી તેમણે એક રિક્ષાવાળા સાથે છેતરપિંડી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે અરવિંદના પગમાં ફ્રૅક્ચર હતું એટલે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ રિક્ષા કરશે અને એમાં સૌથી પહેલાં અરવિંદને ઘર સુધી છોડ્યા બાદ જ તેઓ સ્ટેશન સુધી આ રિક્ષામાં જશે અને રિક્ષાનું ભાડું આપ્યા વગર જ તેઓ ભાગી જશે. જોકે પ્લાન મુજબ એવું થયું નહોતું.’

આ યુવકોએ જે ઢાબા પરથી રિક્ષા પકડી હતી ત્યાં જઈને પોલીસે પૂછપરછ કરી હતી અને ફરી તેઓ આ ઢાબા પર દારૂ પીવા આવ્યા ત્યારે છટકું ગોઠવીને પોલીસે તેમની ધરપકડ કરી હતી.