ગોરેગામની સુવિધા હૉસ્પિટલમાંથી મળી ૩ ફૂટની મૉનિટર લિઝર્ડ

19 July, 2021 10:50 AM IST  |  Mumbai | Sejal Patel

હૉસ્પિટલના સ્ટાફને શનિવારે રાતે કિચન એરિયામાં આ ડરામણી જંગલી ગરોળી જોવા મળી હતી જે ગઈ કાલે બપોરે વાઇલ્ડલાઇફ ઍનિમલ રેસ્ક્યુ સંસ્થાના નવીન સોલંકી અને તેમની ટીમે મળીને પકડી લીધી હતી

રેસ્ક્યુ કરેલી ત્રણ ફુટ લાંબી મૉનિટર લિઝર્ડ સાથે નવીન સોલંકી અને સાહિલ વિચારે.

ગોરેગામ (વેસ્ટ)ના જવાહરનગરના પ્લૉટ-નંબર ૨૭૫માં આવેલી સુવિધા હૉસ્પિટલના બિલ્ડિંગમાં શનિવારે રાતે એક જાયન્ટ ગરોળી જેવું પ્રાણી જોવા મળ્યું હતું. હૉસ્પિટલના કિચન એરિયામાં એ પ્રાણી હતું, પણ જો એ દરદીઓના રહેવાના સ્થળે આવી જાય તો તકલીફ થઈ જાય એટલે ડૉ. રાજેશ ભાનુશાલીએ સમકિત ગ્રુપના સ્થાનિક વૉલન્ટિયર્સ હર્ષ શાહ અને રાજેશ દોશીનો સંપર્ક કર્યો. હર્ષ શાહ આ વિશે ‘મિડ-ડે’ને કહે છે, ‘લિઝર્ડ વાઇલ્ડ ઍનિમલ હોવાથી અમે અંધેરીના ઍનિમલ રેસ્ક્યુઅર નવીન સોલંકીનો સંપર્ક કર્યો. જોકે તેમની ટીમ આવે એ પહેલાં લિઝર્ડ દેખાતી બંધ થઈ ગઈ. સવારે ફરી કિચન એરિયામાં દેખાઈ એટલે અમે એને કિચનમાં જ બંધ કરી દીધી. આશા ધ હોપ ફૉર ઍનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ઍનિમલ રેસ્ક્યુ ટીમના વૉલન્ટિયર સાહિલ વિચારેએ ગઈ કાલે બપોરે આવીને બહુ સરળતાથી એ લિઝર્ડને પકડી લીધી હતી.’
પકડાયેલી લિઝર્ડ વિશે માહિતી આપતાં ટ્રસ્ટના ફાઉન્ડર અને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર નવીન સોલંકી કહે છે, ‘આ મૉનિટર લિઝર્ડ હતી જે લગભગ ત્રણ ફૂટ જેટલી લાંબી હતી. વરસાદના સમયમાં ક્યારેક સીવેજ લાઇનમાંથી આવાં પ્રાણીઓ રહેણાક વિસ્તારોમાં આવી પહોંચતાં હોય છે. રેસ્ક્યુ કર્યા પછી અમે લિઝર્ડનું વેટરિનરી ડૉક્ટર પાસે ચેક-અપ કરાવ્યું તો એ સ્વસ્થ હતી એટલે એને જંગલના વિસ્તારમાં માનવવસ્તીથી દૂર છોડી મૂકવામાં આવી હતી.’
ગોરેગામના રહેણાક વિસ્તારોમાં આ પ્રકારે મૉનિટર લિઝર્ડ દેખાવાનું વધી રહ્યું છે. સિદ્ધાર્થનગરમાં તો બિલ્ડિંગોમાં પણ અવારનવાર આવી ગરોળીઓ દેખાય છે. જોકે આ વખતે ત્રણ ફૂટ લાંબી લિઝર્ડ હતી જે નવાઈભર્યું હતું. આ પ્રાણી વિશે માહિતી આપતાં નવીન સોલંકી કહે છે, ‘આ રૅપ્ટાઇલ ઝેરી નથી હોતું, પણ એના દાંત બહુ તીક્ષ્ણ હોય છે અને જો એ બટકું ભરે તો બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થવાની સંભાવના રહે છે. આ પ્રાણી મોટા ભાગે પોતાના પંજા અને નહોરથી પોતાનો બચાવ કરતાં હોય છે એટલે જો એ ચીપકી જાય તો એને ઉખાડીને દૂર કરવાનું અઘરું થઈ જાય છે.’

Mumbai mumbai news goregaon sejal patel