બિલ્ડરોને હેરાન કરતા BMCના 3 એન્જિનિયર ૧૫ લાખની લાંચ લેતાં ઝડપાયા

21 October, 2014 03:16 AM IST  | 

બિલ્ડરોને હેરાન કરતા BMCના 3 એન્જિનિયર ૧૫ લાખની લાંચ લેતાં ઝડપાયા


આ એન્જિનિયરોની મોડસ ઑપરૅન્ડી વિશે ACBના અધિકારીઓએ કહ્યું હતું કે ‘તેઓ છેલ્લા કેટલાક વખતથી અનેક બિલ્ડરોને તેમના પ્રોજેક્ટ્સના ક્લિયરન્સ માટે હેરાન કરતા હતા. એથી એવા જ એક કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી.’

ACBએ સુધરાઈના ‘E’ વૉર્ડ (ભાયખલા)ના બિલ્ડિંગ પ્રપોઝલ વિભાગના ભૂતપૂર્વ એન્જિનિયર સુનીલ હીરાસિંહ રાઠોડ, સબ-એન્જિનિયર બાલાજી બિરાસદાર અને અસિસ્ટન્ટ એન્જિનિયર વિલાસ ગણપતિ ખિલારે ઉપરાંત પ્રાઇવેટ આર્કિટેક્ટ સતીશ પાલવ તથા અન્ય એક વ્યક્તિ નારાયણ પાટીલની ધરપકડ કરી હતી.

આ કૌભાંડ વિશે વિગતો આપતાં મહારાષ્ટ્ર ACBના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ પ્રવીણ દીક્ષિતે જણાવ્યું હતું કે ‘આ ત્રણ જણ દાદર, સાયન, માટુંગાના બિલ્ડર્સ પાસે રીડેવલપમેન્ટની પરવાનગીઓ માટે લાંચ માગતા હોવાની કેટલીક ફરિયાદો અમને મળી હતી, પરંતુ દાદરના એક બિલ્ડરની ચોક્કસ ફરિયાદને આધારે સોમવારે અમે છટકું ગોઠવીને તેમને ૧૫ લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ પકડ્યા હતા. રાઠોડની ઑફિસમાં પ્રાઇવેટ આર્કિટેક્ટ સતીશ પાલવ અને નારાયણ પાટીલે ૧૫ લાખ રૂપિયા રોકડા સ્વીકાર્યા એ વખતે તેમને બધાને ઝડપી લેવામાં આવ્યા હતા. ઇન્ટિમેશન ઑફ ડિસઅપ્રૂવલ રીડેવલપમેન્ટ માટે અનિવાર્ય હોવાથી આ ત્રણ જણ આ દસ્તાવેજ નહીં આપીને મધ્ય મુંબઈમાં બિલ્ડરોના પ્રોજેક્ટ્સ અટકાવતા હતા. એથી બિલ્ડરો આ દસ્તાવેજ માટે આવે ત્યારે આ એન્જિનિયરો તેમની પાસેથી મોટી રકમો લાંચરૂપે માગતા હતા.’