મનસુખ હિરણની બૉડીનું પોસ્ટમૉર્ટમ કરનાર ૩ ડૉક્ટરો એનઆઇએના રડાર પર

20 June, 2021 08:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરના રિપોર્ટમાં મનસુખ હિરણનું મૃત્યુ પાણીમાં ડૂબી જવાને લીધે થયું હોવાનો ઇશારો કરવામાં આવ્યો હોવાથી એનઆઇએને શંકા થઈ રહી છે

મનસુખ હિરણની બૉડીનું પોસ્ટમૉર્ટમ કરનાર ૩ ડૉક્ટરો એનઆઇએના રડાર પર

એન્ટિલિયા બૉમ્બ કેસ અને મનસુખ હિરણ કેસની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ આ કેસમાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માની ધરપકડ કર્યા બાદ હવે મનસુખ હિરણના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરી ડાયટમ રિપોર્ટ આપનાર ડૉક્ટરો પર શંકા છે. એનઆઇએને શંકા છે કે મનસુખ હિરણના પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સાથે પણ ચેડાં કરાયા હોઈ શકે, કારણ કે મનસુખ હિરણનો ડાયટમ રિપોર્ટ પૉઝિટિવ બતાવવામાં આવ્યો છે, જેનો મતલબ એમ થયો કે તેનું ડૂબીને મૃત્યુ થયું છે.   
જો કોઈ વ્યક્તિનું ડૂબીને મૃત્યુ થયું હોય તો એ વ્યક્તિ જ્યારે ડૂબી રહી હોય ત્યારે શ્વાસ લેતી વખતે પાણી તેના મોં અને નાક વડે ફેફસાંમાં ગયું હોય છે અને એ ત્યાં જમા થાય છે. એ પાણી પોસ્ટમૉર્ટમ કરતી વખતે મળી આવે છે. જે કિસ્સામાં આવું બનતું હોય છે એમાં ડૉક્ટર ડાયટમનો રિપોર્ટ પૉઝિટિવ આપે છે.  જો વ્યક્તિની પહેલાં જ હત્યા કરી દેવાઈ હોય અને તેના મૃતદેહનો નિકાલ કરવા માટે પાણીમાં ફેંકી દેવાય ત્યારે એ વખતે શ્વાસોશ્વાસ ચાલતો ન હોવાથી ફેફસાંમાં પાણી જવાની શક્યતા બહુ ઓછી હોય છે અને આવા કેસમાં ડાયટમનો રિપોર્ટ નેગેટિવ આવે છે.
એનઆઇએ અત્યાર સુધીની તપાસમાં એવા તારણ પર આવી છે કે મનસુખ હિરણની પહેલાં ટવેરા ગાડીમાં જ ગળું ઘોટીને હત્યા કરાઈ અને ત્યાર બાદ તેના મૃતદેહને ખાડીમાં ફેંકી દેવાયો. જો એમ જ હોય તો તેના ફેફસાંમાં પાણી કઈ રીતે જાય? વળી જ્યારે તેનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના મોંમા ઘણાબધા રૂમાલ ઠૂંસેલા મળી આવ્યા હતા, એથી એનઆઇએને શંકા છે કે હત્યાનો પ્લાન કરનાર આ બાબતને સારી રીતે જાણતા હોવા જોઈએ એથી ડાયટમ રિપોર્ટ તૈયાર કરનાર ત્રણ ડૉક્ટરની ભૂમિકા પર તપાસ કરવામાં આવી રહી છે અને એનઆઇએના રડાર પર એ ડૉક્ટરો આવી ગયા છે. એનઆઇએને શંકા છે કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સાથે પણ ચેડાં થયાં હોઈ શકે. 
એન્ટિલિયા બૉમ્બ કેસ અને મનસુખ હિરણ કેસમાં અત્યાર સુધી દસ આરોપીની ધરપકડ કરાઈ છે. જેમાં પાંચ આરોપીઓ પોલીસ દળમાં રહી ચૂકેલા છે. વળી એનઆઇએએ પણ કહ્યું છે કે પ્રદીપ શર્મા અને સચિન વઝેએ મળીને મનસુખ હિરણની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. એથી આવી ટેક્નિકલ આંટીઘૂંટીથી તેઓ વાકેફ હોઈ શકે એવી શક્યતા એનઆઇએ નકારતી નથી. ટૂંક સમયમાં એનઆઇએ દ્વારા આ કેસમાં વધુ ધરપકડ થાય એવી શક્યતા છે.      

mumbai news mumbai