ટેરરિસ્ટને ડ્રાયફ્રૂટ્સ આપવા બદલ ત્રણ મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

18 October, 2011 09:32 PM IST  | 

ટેરરિસ્ટને ડ્રાયફ્રૂટ્સ આપવા બદલ ત્રણ મહિલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ

(ભૂપેન પટેલ)

મુંબઈ, તા. ૧૮

૨૦૦૩ની ૨૫ ઑગસ્ટે ગેટવે ઑફ ઇન્ડિયા તથા ઝવેરીબજારમાં થયેલા બૉમ્બવિસ્ફોટની આરોપી ફહમીદા સૈયદને આ પોલીસોએ ડ્રાયફ્રૂટ્સ આપ્યાં હતાં. મળેલી માહિતી અનુસાર બૉમ્બે હાઈ ર્કોટમાં ૧૨ સપ્ટેમ્બરે તેના કેસની સુનાવણી દરમ્યાન બ્રેકમાં આ કૉન્સ્ટેબલોએ તેને ડ્રાયફ્રૂટ્સ ખવડાવ્યાં હતાં એની ન્યાયાધીશ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવતાં એક તપાસસમિતિ નીમવામાં આવી હતી. તપાસ દરમ્યાન કૉન્સ્ટેબલોએ કબૂલ્યું હતું કે આરોપીના કોઈક સગા દ્વારા ડ્રાયફ્રૂટ્સનું પૅકેટ તેમને આપવામાં આવ્યું હતું. આવા ગંભીર ગુનામાં સંડોવાયેલી આરોપીને ર્કોટની સુનાવણીમાં લઈ જતી વખતે કૂણી લાગણી દર્શાવવાનો તેમ જ ફરજ પ્રત્યે બેધ્યાન રહેવાનો આરોપ કૉન્સ્ટેબલો પર મૂકવામાં આવ્યો છે.

બૉમ્બવિસ્ફોટની હકીકત

૨૦૦૩ની ૨૫ ઑગસ્ટે ગેટવે ઑફ ઇન્ડિયા તથા ઝવેરીબજારમાં થયેલા બૉમ્બવિસ્ફોટમાં કુલ બાવન જણનાં મોત થયાં હતાં તેમ જ ૨૪૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્ને બૉમ્બ ત્યાં પાર્ક કરવામાં આવેલી ટૅક્સીમાં મૂકવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં અશરત અન્સારી, હનીફ સૈયદ તથા તેની પત્ની ફહમીદા સૈયદની ધરપકડ કરી હતી. તે તમામને ૨૦૦૯માં પોટા (પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટ) ર્કોટે મૃત્યુદંડની સજા ફટકારી હતી. એવું માનવામાં આવે છે કે હનીફને એક પાકિસ્તાની નાગરિકે યુએઈમાં ભારતમાં બૉમ્બવિસ્ફોટ કરવા માટે મદદ કરી હતી.