મુંબઈ-પુણે એક્સપ્રેસવે મિસિંગ લિન્ક પર એક ભૂલને કારણે ૩ કારનો અકસ્માત, સદ્નસીબે જાનહાનિ ટળી

18 June, 2026 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી કારના ડ્રાઇવરે અચાનક બ્રેક મારીને ગાડી ઊભી રાખી એટલે પાછળ આવતી બે કાર ધડાધડ ટકરાઈ હતી

મુંબઈ-પુણે કૉરિડોરની કનેક્ટિંગ મિસિંગ લિન્ક પર થયેલા અકસ્માતમાં ૩ કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.

મુંબઈ-પુણે કૉરિડોરની મિસિંગ લિન્ક પર આવેલા વૅલી બ્રિજ પાસે ગઈ કાલે સવારે ૩ કાર એકબીજા સાથે ધડાધડ અથડાતાં ચેઇન-ઍક્સિડન્ટ થયો હતો. આ ભયાનક ટક્કરમાં ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મોટું નુકસાન થયું હતું. જોકે સદ્નસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક-વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળ પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને દૂર કરીને ટ્રાફિક ફરી શરૂ કરાવ્યો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માતમાં સામેલ ત્રણેય વાહનો મુંબઈથી પુણે તરફ જઈ રહ્યાં હતાં. આ દરમ્યાન વૅલી બ્રિજ વિસ્તારમાં અચાનક આગળ ચાલી રહેલી કારના ડ્રાઇવરે ત્રીજી લેનમાં બ્રેક મારીને ગાડી ઊભી રાખી દીધી હતી. હાઇવે પર અચાનક બ્રેક વાગવાને કારણે પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને એ ઊભેલી કારને ધડાકાભેર અથડાઈ હતી. આટલું ઓછું હોય એમ આ બન્ને કારની પાછળ આવી રહેલી ત્રીજી કાર પણ આ બન્ને કાર સાથે અથડાતાં હાઇવે પર વાહનોની લાઈન લાગી ગઈ હતી.

અકસ્માતની માહિતી મળતાં જ હાઇવે ટ્રાફિક-પોલીસની ટીમે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ત્રણેય કારને હાઇવે પરથી હટાવી રસ્તાની બાજુએ કરી હતી. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઈ હતી. 

થાણેમાં કચરાના ઢગલા પર ટાયર ચડી ગયું અને ટૅન્કર પલટી થઈ ગયું, ચોમાસા વખતે શું હાલ થશે એ પ્રશ્ન

થાણેમાં માનકોલી બ્રિજ પાસે આવેલા રોડ પર ખુલ્લી ગટરની બાજુમાં પડેલા કચરાના મોટા ઢગલાને કારણે એક ટૅન્કર પલટી ખાઈ ગયું હતું જેને કારણે અત્યંત વ્યસ્ત રહેતા આ રસ્તા પર ટ્રાફિક જૅમ થયો હતો. ખુલ્લી ગટરમાં ભરાઈ ગયેલા કચરાની બાજુમાં ઠલવાયેલા મોટા પ્રમાણમાં કચરાને કારણે ટૅન્કરનો ડ્રાઇવર વળાંક લેતી વખતે જજમેન્ટ લઈ નહોતો શક્યો અને કચરા પર ડાબી બાજુનું ટાયર ચડી જતાં ટૅન્કર પલટી ગયું હતું. અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી, પણ ટૅન્કર હટાવવામાં સમય લાગતાં ટ્રાફિકને અસર થઈ હતી.

આ ઘટના બાદ સ્થાનિકો તેમ જ આ રસ્તાનો રોજબરોજ ઉપયોગ કરનારાઓએ ખુલ્લી ગટરો તેમ જ રસ્તાઓની બિસમાર હાલત વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જો આટલું મોટું ટૅન્કર ખુલ્લી ગટર અને કચરાના ઢગલાને કારણે પલટી ખાઈ શકે તો ચોમાસા વખતે પાણી ભરાઈ જાય અને ખુલ્લી ગટરો જ ન દેખાય ત્યારે ટૂ-વ્હીલર અને અન્ય નાનાં વાહનોનું શું થશે એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યા છે.

mumbai news mumbai mumbai pune expressway road accident maharashtra news maharashtra