૨૭૦ પોલીસને પોક્સો કાયદા વિશે તાલીમ અપાશેે

04 December, 2020 01:34 PM IST  |  Mumbai | Mumbai correspondent

૨૭૦ પોલીસને પોક્સો કાયદા વિશે તાલીમ અપાશેે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના આ કાળમાં લોકો ઘરે છે ત્યારે ઘર, આડોશપાડોશ અને જાણીતી વ્યક્તિઓ દ્વારા બાળકો પર જાતીય અત્યાચારનું પ્રમાણ વધ્યું હોવાનું કહેવાય છે. ચાઇલ્ડ એબ્યુજની ફરિયાદોમાં પણ વધારો થયો છે. ચાઇલ્ડ પૉર્નોગ્રાફીનો વપરાશ પણ વધ્યો છે. એથી આ સંદર્ભે સાવચેતીના પગલારૂપે ‘મહારાષ્ટ્ર સાઇબર’ દ્વારા રાજ્યના ૨૭૦ જેટલા પોલીસ-કર્મચારીઓને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) ઍક્ટની ખાસ ઑનલાઇન ટ્રેઇનિંગ આપવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેઇનિંગ અભિયાન નોબલ પ્રાઇઝ વિનર અને બાળકો માટે કામ કરતા જાણીતા સમાજસેવી કૈલાસ સત્યાર્થીના કૈલાસ સત્યાર્થી ચાઇલ્ડ ફાઉન્ડેશનના સહકારમાં આયોજિત કરાશે.
આ ટ્રેઇનિંગ સેશન્સમાં ખાસ કરીને એ બાબત પર ભાર મૂકવામાં આવશે કે પોક્સો કાયદા હેઠળ કઈ કઈ બાબતોને અવારી લેવાય છે. એટલું જ નહીં, પણ બાળકોના હિતને જોતા તેની વિવિધ પેટા-કલમોના પ્રૅક્ટિકલી કઈ રીતે અમલમાં મૂકી શકાય, લાગુ કરી શકાય એની સમજ આપવામાં આવશે. આ માટે આ પહેલાંના કેસ અને બાળકો પર થયેલા તેના માનસિક આઘાતની પણ સ્ટડી કરાશે. વળી એ કેસમાં કોર્ટે શું ચુકાદો આપ્યો એની પણ છણાવટ કરાશે. વળી પોલીસ બાળકોની સાથે મિત્રતાથી કઈ રીતે વર્તી શકે, તેમને સમજાવી શકે એ વિશે પણ જાણકારી આપવામાં આવશે.
આ આખો પ્રોજેક્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ યશસ્વી યાદવ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ હરીશ બૈજલ અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ વિજય ખૈરે અને અન્ય ઉચ્ચ ઑફિસરોની દોરવણી હેઠળ હાથ ધરાશે.

mumbai news mumbai mumbai police