૨૬/૧૧ના હુમલાનાં ચાર વર્ષ પછી પણ સુરક્ષાનાં પગલાં લેવામાં સુધરાઈ સુસ્ત

26 November, 2012 05:57 AM IST  | 

૨૬/૧૧ના હુમલાનાં ચાર વર્ષ પછી પણ સુરક્ષાનાં પગલાં લેવામાં સુધરાઈ સુસ્ત



મુંબઈ સુધરાઈએ ૨૬/૧૧ના હુમલા પછી એના હેડક્વૉર્ટરની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું નક્કી કર્યું હતું અને એ મોટી રૂપરેખા ઘડી કાઢી હતી. જોકે આજે ૨૬/૧૧ના હુમલાને ચાર વર્ષ થયાં પછી પણ માત્ર સીસીટીવી કૅમેરા લગાવ્યા સિવાય સુરક્ષાનાં વધારાનાં કોઈ પગલાં નથી લીધાં. સુધરાઈના બધા દાવા પોકળ ઠર્યા છે.

૨૬/૧૧ના હુમલાની ગંભીરતા જોતાં સુધરાઈએ કહ્યું હતું કે એ તેના સુરક્ષા-કર્મચારીઓને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ અને પોલીસની બેઝિક ટ્રેઇનિંગ સ્ટેટ રિઝર્વ પોલીસ પાસે અપાવશે અને ભાંડુપમાં એ માટે એક ફાયરિંગ રેન્જ પણ તૈયાર કરશે. સુધરાઈએ એમ પણ કહ્યું હતું કે સુધરાઈમાં એન્ટ્રી માટે બાયોમેટ્રિક થમ્બ ઇમ્પ્રેશનની ગોઠવણ કરવામાં આવશે. એ ઉપરાંત સુધરાઈની મુલાકાત લેતી દરેક વ્યક્તિનો ફોટો પણ ક્લિક કરવાની ગોઠવણ કરવાનો સુધરાઈનો પ્લાન હતો. એ સિવાય હથિયારનું જ્ઞાન હોય એવા આર્મીના રિટાયર્ડ જવાનોની પણ નિયુક્તિ કરવાની હતી. સુરક્ષાના ઉપાય તરીકે સુધરાઈના હેડક્વૉર્ટરના પ્રિમાઇસિસમાં નગરસેવકોને તેમનાં વાહનો પાર્ક ન કરવા દેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે થોડા મહિનાઓ બાદ ફરી નગરસેવકો તેમનાં વાહનો પાર્ક કરવા માંડ્યા હતા.

સુરક્ષા માટેનાં બધાં જ પગલાં લેવાનાં હજી બાકી છે. એમાંથી સુરક્ષા-કર્મચારીઓને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ અને પોલીસની બેઝિક ટ્રેઇનિંગ આપવાનો પ્લાન સુધરાઈએ પડતો મૂક્યો છે. એ માટે એક ઑફિસરે કહ્યું હતું કે બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ એ પોલીસર્ફોસનું કામ છે, સુધરાઈનું એ કામ નથી એટલે એ પ્લાન પડતો મૂક્યો છે.

સુધરાઈના ૩૮૦૦ સુરક્ષા-કર્મચારીઓમાંથી માત્ર ૨૫ ગાર્ડસ પાસે જ હથિયાર છે, જ્યારે અન્ય સુરક્ષા-કર્મચારીઓને હથિયાર ચલાવતાં નથી આવડતું. જે ગાર્ડ્સ પાસે હથિયાર છે તેમને વૉટર-બિલ, પ્રૉપર્ટી-ટૅક્સ, લાઇસન્સ રિન્યુઅલ ફી જેવી કૅશ કલેક્ટ કરતાં વાહનો સાથે સુરક્ષા માટે મોકલવામાં આવે છે.

સુધરાઈનું શું કહેવું છે?

સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે થોડા વખતમાં બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સિવાયના બધા જ સુરક્ષાના ઉપાયોનો અમલ શરૂ કરવામાં આવશે. આ બાબતે જણાવતાં સુધરાઈના સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટના ચીફ અરુણ વીરે કહ્યું હતું કે ‘રિક્રૂટમેન્ટ પ્રોસેસ ચાલી રહી છે. એકાદ-બે મહિનામાં અમે ૧૦૦૦ જેટલા સુરક્ષા-કર્મચારીઓની નિમણૂક કરીશું. એ સિવાય બાયોમેટ્રિક થમ્બ ઇમ્પ્રેશનની ગોઠવણ કરવામાં આવશે. ઉપરાંત સુધરાઈની મુલાકાત લેતી દરેક વ્યક્તિના ફોટો પણ ક્લિક કરવાની ગોઠવણ બહુ જ જલદી હેડક્વૉર્ટરમાં કરવામાં આવશે. અત્યાર સુધી ૭૦ ટકા સીસીટીવી કૅમરા લગાવવામાં આવ્યા છે અને બાકીના વહેલી તકે લગાવી દેવામાં આવશે.