કોરોનાના દરદીઓ માટે વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબમાં ૨૫૦ બેડની સુવિધા

23 May, 2020 08:21 AM IST  |  Mumbai | Hemal Ashar

કોરોનાના દરદીઓ માટે વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબમાં ૨૫૦ બેડની સુવિધા

વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબ

હાજી અલીસ્થિત વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબને કોરોના વાઇરસના દરદીઓ માટેના ક્વૉરન્ટીન સેન્ટર રૂપે મુંબઈ મહાનગરપાલિકાએ હસ્તગત કરી લીધી છે. એ સાથે કોરોના સામેની લડતમાં પાડોશી વરલી અને મહાલક્ષ્મીની સાથે હાજી અલી વિસ્તાર પણ જોડાયો છે. હવે વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબની ટેનિસ કોર્ટ પર ૨૫૦ બેડનું ઇન્ટેન્સિવ કૅર યુનિટ, બૅડ્મિન્ટન કોર્ટ પર ક્વૉરન્ટીન સેન્ટર અને મેઝનિન ફ્લોર પર દરદીઓ અને ડૉક્ટરો માટે રિકવરી એરિયા શરૂ કરવામાં આવશે. કોરોનાના દરદીઓ માટે જગ્યાના વપરાશ બાબતે તાજેતરમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હોવાનું ક્લબના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ એ. નારિયલવાલાએ ક્લબની જગ્યાના ક્વૉરન્ટીન સેન્ટર તરીકે વપરાશ બાબતે મેમ્બર્સને જણાવ્યું હતું કે ‘ક્લબની ટેનિસ કોર્ટ કે બૅડ્મિન્ટન કોર્ટને કંઈ નુકસાન નહીં થાય. આઇસીયુ માટેના તંબુનો પાયો ટેનિસ કોર્ટના બહારના ભાગમાં ખૂંપાવવામાં આવશે. રમત માટેની સપાટીને કંઈ નુકસાન નહીં થાય. ટેનિસ અને બૅડ્મિન્ટન કોર્ટ્સ પર પૅડેડ મટીરિયલનું આર્ટિફિશ્યલ ફ્લોરિંગ ગોઠવીને એના પર રોલ-ઑન ફ્લોર ગોઠવાશે. એ રીતે કોઈ હૉસ્પિટલના ફ્લોરિંગ જેવી ફર્શ બની જશે. સોશ્યલ ડિસ્ટન્સિંગ છેક ડિસેમ્બર સુધી ચાલુ રહેવાનાં એંધાણ છે. એથી ત્યાર સુધી ક્લબ ખૂલવાની શક્યતા નથી. વળી હાલના સંજોગોમાં મુંબઈમાં હૉસ્પિટલોમાં બેડની સખત તંગી છે. કોરોના સામેની લડતમાં સક્રિય તબીબી અને અર્ધતબીબી કર્મચારીઓ અને વ્યાવસાયિકોને સમર્થન આપવાની આપણી ફરજ છે. મહાનગરપાલિકાની કોરોના સામેની લડતને અમારી મૅનેજિંગ કમિટી પૂર્ણ સમર્થન આપે છે.’

coronavirus covid19 mumbai mumbai news