13 October, 2025 08:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટના જે. એન. રોડ પર અપના બઝાર નજીક રહેતી ૨૫ વર્ષની એક ભણેલીગણેલી યુવતીએ ઑનલાઇન બાબાના ચક્કરમાં આવીને લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાઇબર છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં યુવતીએ મુલુંડ પોલીસમાં જ્યોતિષી પ્રવીણકુમાર સામે શનિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદમાં આપેલી માહિતી પ્રમાણે પોતાનું ભવિષ્ય સુધારવા માટે અને વર્તમાનની તકલીફો દૂર કરવા માટે આ યુવતીએ સોશ્યલ મીડિયા પર એક બાબા પર ભરોસો મૂક્યો હતો. વિવિધ પૂજાવિધિ કરાવવાના નામે આ બાબાએ ૭,૩૮,૦૦૦ રૂપિયા યુવતી પાસેથી પડાવી લીધા હોવાનું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું.
કેવી રીતે છેતરાઈ યુવતી?
મુલુંડમાં રહેતી યુવતીએ મે મહિનામાં નવી નોકરીની સારી તક મળતાં તેની ત્યારની નોકરી છોડી દીધી હતી. આ દરમ્યાન તેના પરિવારે લગ્ન માટે એક છોકરો શોધ્યો હતો. તેની સાથે યુવતીની સગાઈ કર્યાના થોડા દિવસોમાં ખબર પડી કે તે છોકરાનું બહાર બીજી છોકરી સાથે અફેર હતું. તેથી યુવતીએ સગાઈ તોડી નાખી હતી. ત્યાર બાદ તેને આગળની કારકિર્દીની સતત ચિંતા રહેતી હતી.
ભવિષ્ય જાણવા માટે મે મહિનાના અંતમાં યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષીની શોધ ચલાવી હતી. આ શોધમાં તેને જ્યોતિષી પ્રવીણકુમારનું અકાઉન્ટ દેખાયું હતું. એના પર ક્લિક કરતાં સીધું જ્યોતિષીનું વૉટ્સઍપ અકાઉન્ટ ખૂલ્યું હતું.
યુવતીએ વૉટ્સઍપ પર હાઈ લખીને મોકલતાં થોડા સમય પછી યુવતીને વૉટ્સઍપ પર એક ફોન આવ્યો હતો. એમાં સામેની વ્યક્તિએ પોતાની ઓળખ મહાકાલ દેવી સંસ્થાના જ્યોતિષી પ્રવીણકુમાર તરીકે આપી હતી. તેણે ‘જો તમને કોઈ સમસ્યા હોય તો મને કહો, હું સમાધાન જણાવીશ’ એમ કહેતાં યુવતીએ પોતાની બધી સમસ્યાઓ જણાવી હતી.
જ્યોતિષીએ યુવતીની બધી સમસ્યાઓ સાંભળ્યા બાદ તમામ સમસ્યાઓનું ઇન્સ્ટન્ટ સૉલ્યુશન છે અને બધી સમસ્યાઓ ૭ કલાકમાં ઉકેલાઈ જશે એવો દાવો કરીને એક ખાસ પૂજા માટે ૭૮૦૦ રૂપિયા ફીની માગણી કરી હતી.
થોડા કલાકો પછી ફરી વાર જ્યોતિષીએ ફોન કરીને પૂજા દરમ્યાન સમસ્યા વધુ ખરાબ થઈ ગઈ છે અને એના માટે બીજી પૂજા કરવી પડશે, જેનો ખર્ચ ૧૮,૭૦૦ રૂપિયા થશે એમ કહીને ફરી પૈસાની માગણી કરી હતી એટલે યુવતીએ ફરી પૈસા મોકલી આપ્યા હતા.
સતત બે-ત્રણ મહિના ચાલેલા આવા ઢોંગ બાદ સમસ્યાથી કાયમ માટે મુક્તિ અપાવવાનો વાયદો કરતા રહીને જ્યોતિષીએ વિવિધ દેવતાઓની પૂજા અને હવન કરવાં પડશે એમ કહીને ૩ લાખ દક્ષિણા-ફી ચૂકવવાનું કહ્યું એટલે એ પૈસા પણ યુવતી ચૂકવી દીધા હતા.
આમ સતત બેથી ત્રણ મહિના સુધી વિવિધ કારણો આપીને ૧૬ ટ્રાન્ઝૅક્શનમાં ૭,૩૮,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી યુવતીને થઈ હતી એટલે તેણે સાઇબર પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવી હતી.