મુઝે દારૂ દો...

16 February, 2021 07:52 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુઝે દારૂ દો...

આરોપી નાવેદ અજમલ ખાન અને જમણે દોઢ ફૂટનો છરો

એક ક્વૉર્ટર દારૂ માટે શિવડીના ગેટ નંબર-૬ પાસે રહેતા ૨૨ વર્ષના નાવેદ અજમલ ખાને ગઈ કાલે સવારે દોઢ ફુટ લાંબા ખુલ્લા છરા સાથે શિવડી સ્ટેશન પર દહેશત ફેલાવી હતી. એટલું જ નહીં, આરપીએફે જ્યારે તેને પકડીને સાવચેતી માટે સ્ટેશન-મૅનેજરની રૂમમાં થોડી વાર બંધ કર્યો ત્યારે તેણે ત્યાં તોડફોડ કરી હતી, જેમાં સ્ટેશન પર કરાતી અનાઉન્સમેન્ટ સિસ્ટમ, કમ્પ્યુટર, પંખો, ટેબલ બધું તોડીફોડી નાખ્યું હતું. એટલું જ નહીં, ટેબલના તૂટેલા કાચ વડે પોતાના માથા પર ઘા કરીને લોહી કાઢ્યું હતું. તેણે સ્ટેશન-મૅનેજરને પણ ધમકી આપી હતી, ‘એક ક્વૉર્ટર દારૂ આપો, નહીં તો તમને મારી નાખીશ.’

આ ઘટના શિવડી સ્ટેશન પર ગઈ કાલે સવારે ૮.૨૦ વાગ્યે બની હતી. નાવેદ ખુલ્લા છરા સાથે પ્લૅટફૉર્મ નંબર-બે પર દહેશત ફેલાવી રહ્યો હતો. એ જોઈને આરપીએફના જવાનોએ તેને પહેલાં શાંત પાડવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ તેની પાસેથી કળપૂર્વક છરો આંચકી લીધો હતો અને એ તોફાન ન કરે એ માટે સાવચેતીની દૃષ્ટિએ તેને પ્લૅટફૉર્મ-નંબર એક પર આવેલી સ્ટેશન-મૅનેજરની ઑફિસમાં પૂરી દીધો હતો. જોકે એથી નાવેદ વધુ ભડક્યો હતો અને તેણે ઑફિસમાં તોડફોડ શરૂ કરી દીધી હતી, જેમાં પંખો, કમ્પ્યુટર પણ તોડી નાખ્યાં હતાં. ટેબલનો કાચ તોડીને તેણે પોતાના માથા પર જ ઘા મારવા માંડ્યો હતો જેને લીધે તેને ઈજા થઈ હતી અને આખી ઑફિસમાં લોહીના છાંટા ઊડ્યા હતા.

આ વિશે વધુ માહિતી આપતાં શિવડીના સ્ટેશન‍-મૅનેજર એસ. કે. સિન્હાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ યુવાને મારી ઑફિસ ખેદાનમેદાન કરી નાખી હતી. તેને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી, પણ ત્યારે તેણે મને ધમકી આપતાં કહ્યું હતું કે એક ક્વૉર્ટર દારૂ આપો, નહીં તો તમને મારી નાખીશ, બધાને મારી નાખીશ. તેણે તેનું લોહી પોતાના ચહેરા અને શરીર પર લગાડવા માડ્યું હતું. તેનું આ ભયાનક સ્વરૂપ જોઈ સ્ટેશન પર અનાઉન્સમેન્ટ કરતી મહિલા-કર્મચારી પણ બહુ જ ડરી ગઈ હતી. ત્યાર બાદ તેણે કહ્યું કે જો તમે મને દારૂ નહીં આપો તો હું ટ્રેન સામે કૂદી જઈશ. આખરે અમે જીઆરપીને બોલાવી હતી, ત્યાર બાદ વડાલા જીઆરપીમાં તેની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. સ્થાનિક લોકો સાથે વાત કરતાં ખબર પડી હતી કે તેને દારૂ અને ડ્રગ્સની લત છે અને તે ડ્રગ્સ વેચે પણ છે. આવા લોકો સમાજમાં રહેવા જ ન દેવા જોઈએ.’   

mumbai mumbai news sewri mumbai police