તમે જે પનીર હોંશે-હોંશે ખાઓ છો એ ક્યાંક ભેળસેળવાળું તો નથીને?

13 May, 2022 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોટેલો અને કેટરર્સને પૂરું પાડવામાં આવતું બનાવટી ૨,૧૩૧ કિલો પનીર પકડાયું

પ્રતીકાત્મક તસવીર

હાલ લગ્નની મોસમ જામી છે ત્યારે જમણવારમાં સ્ટાર્ટર તરીકે પનીર બાર્બેક્યુ કે પનીર ચિલી સાથે મેઇન કોર્સમાં પનીરનાં અવનવાં શાક પીરસાતાં હોય છે અને એમાં છૂટથી પનીર વપરાતું હોય છે. જોકે હવે ચેતવા જેવું છે, કારણ કે બનાવટી અને શરીર માટે હાનિકારક એવા પનીરની મોટા પ્રમાણમાં સપ્લાય કરતી ડેરી પર તાજેતરમાં રેઇડ પાડવામાં આવી છે અને એની પાસેથી ૨,૧૩૧ કિલો બનાવટી પનીર જપ્ત કરવામાં આવ્યું છે.    

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની હેઠળની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગના સીબી કન્ટ્રોલ યુનિટને માહિતી મળી હતી કે ચેમ્બુરની ડેરી મોટા પ્રમાણમાં ભેળસેળવાળા પનીરની સપ્લાય રેસ્ટોરાં, હોટેલો અને કેટરર્સને કરી રહી છે. એથી એણે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના અધિકારીઓ સાથે રેઇડ પાડીને કાર્યવાહી કરી હતી. 
ચેમ્બુર કૉલોનીમાં આવેલી પંજાબ ડેરી પર ૬ મેએ આ રેઇડ પાડવામાં આવી હતી. ડેરીમાંથી અને ડેરી સામે ઊભેલી બે બલેરો વૅનમાંથી ૧.૩૮ લાખનું ૬૩૧ કિલો હલકી ગુણવત્તાનું પનીર મળી આવ્યું હતું જે જપ્ત કરાયું હતું.

એ કેસમાં વધુ તપાસ કરતાં એ પનીર પૂરું પાડતી બદલાપુરની યશોદા ઑર્ગેનિક ફૂડ્સ અને ભિવંડી અને નવી મુંબઈમાં બ્રાન્ચ ધરાવતી દિશા ડેરી પર રેઇડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન હલકી ગુણવત્તાનું પનીર બનાવવા ઉપયોગમાં લેવાતા પામ ઑઇલના ૯૫ ડબ્બા, ૩૦ ગુણી દૂધનો પાઉડર, અન્ય કેમિકલ અને એના વડે તૈયાર કરાયેલું ૧૫૦૦ કિલો પનીર જપ્ત કરાયું હતું. આ કાર્યવાહી હેઠળ પંજાબ ડેરી, યશોદા ઑર્ગેનિક ફૂડ્સ અને દિશા ડેરીના માલિકો સહિત સાત જણની ધરપકડ કરાઈ હતી. તપાસ દરમિયાન જણાઈ આવ્યું હતું કે આ ટોળકી હલકી ગુણવત્તાનું આ પનીર હોટેલો, રેસ્ટોરાં તેમ જ વિવિધ ડેરી અને કેટરર્સને મલાઈવાળું પનીર કહીને મોટા  પ્રમાણમાં વેચતી હતી. 

mumbai mumbai news Crime News crime branch mumbai crime branch