૨૧૦૦ રેલવે સિક્યૉરિટી ફોર્સના જવાનો રેલવે-સ્ટેશનોએ સજ્જ

25 November, 2019 12:22 PM IST  |  Mumbai

૨૧૦૦ રેલવે સિક્યૉરિટી ફોર્સના જવાનો રેલવે-સ્ટેશનોએ સજ્જ

મુંબઈ પોલીસ સ્ટેશને ચુસ્ત બંદોબસ્ત

આવતી કાલે ૨૬/૧૧ને ૧૧ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. એ પાર્શ્વભૂમિ પર ઉપનગરીય રેલવે-સ્ટેશન પર સિક્યૉરિટી ફોર્સના ૨૧૦૦ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં રાજકીય ઊથલપાથલને કારણે વાતાવરણમાં અરાજકતા ફેલાયેલી છે. જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ની કલમ અને અયોધ્યામાં રામમંદિરના નિર્માણ વિશે થયેલા નિર્ણયને કારણે ગિરદીવાળાં રેલવે-સ્ટેશનોએ સુરક્ષા-વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
૨૬/૧૧ના દિવસે આતંકવાદીઓએ સીએસએમટી સ્ટેશન સહિત અન્ય અનેક ઠેકાણે હુમલા કર્યા હતા. એ દિવસની પાર્શ્વભૂમિ પર મધ્ય રેલવેમાં ૬૦૦ અને પશ્ચિમ રેલવેમાં ૧૫૦૦ રેલવે સિક્યૉરિટી ફોર્સના જવાનો તહેનાત રહેશે. મધ્ય રેલવેમાં સીએસએમટી, દાદર, કુર્લા, થાણે, કલ્યાણ અને પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાંદરા, સાંતાક્રુઝ, અંધેરી, ગોરેગામ અને બોરીવલી સ્ટેશનોએ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત અત્યંત સંવેદનશીલ સ્ટેશનોએ પોલીસ વારંવાર પૅટ્રોલિંગ કરશે. રેલવે સિક્યૉરિટી ફોર્સ, રેલવે પોલીસ, મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સ અને હોમગાર્ડ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વૉડ, બૉમ્બ સ્ક્વૉડ, ભાંગફોડિયા પ્રવૃત્તિને રોકવા માટે ટીમ દ્વારા સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રવાસીઓએ કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં, એવી અપીલ રેલવે-પોલીસે કરી છે.

mumbai 26/11 attacks borivali bandra thane