06 August, 2025 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબ્રાના રેતી બંદર જંક્શન નજીક રવિવારે રાત્રે એક ઝડપી કન્ટેનરે ટૂ-વ્હીલરને પાછળથી ટક્કર મારતાં થાણેના તીનહાથ નાકા નજીક શિવાનંદ સોસાયટીમાં રહેતી ૨૧ વર્ષની પલક સોલંકીનું મૃત્યુ થયું હતું. આ મામલે મુંબ્રા પોલીસે ઘટનાસ્થળેથી નાસી ગયેલા કન્ટેનરચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પલક તેના મિત્ર પવન મ્હૈસાલા સાથે મુંબ્રામાં રહેતી ઝોયા ઈમાનદાર સાથે ફ્રેન્ડશિપ દિવસની ઉજવણી કરવા આવી હતી. રાતે ત્રણે મિત્રોએ સાથે ભોજન લીધા બાદ પલક તેના ઘરે જઈ રહી હતી એ સમયે અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પોલીસની તપાસમાં સામે આવી છે.
પલકની મિત્ર ઝોયા ઈમાનદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું, પલક અને પવન એમ અમે ત્રણે મિત્રો બેડેકર કૉલેજમાં કૉમર્સ ફીલ્ડમાં સાથે અભ્યાસ કરીએ છીએ. રવિવારે ફ્રેન્ડશિપ ડે હોવાથી અમે ત્રણે મિત્રોએ મળવાનું અને રાતના ડિનર સાથે કરવાનું નક્કી કર્યું હતું. મુંબ્રાની એક હોટેલમાં સાડાદસ વાગ્યાની આસપાસ ડિનર કર્યા બાદ હું મારા ઘરે જવા માટે નીકળી હતી, જ્યારે પવન થાણેમાં રહેતો હોવાથી પલક તેની સાથે સ્કૂટર પર થાણે જવા માટે નીકળી હતી. આશરે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ રેતીબંદર નજીક પલકનો અકસ્માત થયો હોવાની જાણ મને પવને કરી હતી. ઘટનાસ્થળ પર જઈને જોતાં પલકનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાની જાણ થઈ હતી. વધુ માહિતી લેતાં જાણવા મળ્યું હતું કે તે અને પવન રેતીબંદર નંબર ચાર પર પહોંચ્યાં ત્યારે નાશિક તરફ જતા એક કન્ટેનરે તેમના સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી. એ ટક્કરને કારણે પવને સ્કૂટર પરનો કાબૂ ગુમાવતાં બન્ને રસ્તા પર પડ્યાં હતાં જેમાં કન્ટેનરનું પાછળનું વ્હીલ પલકના માથા પરથી ફરી ગયું હતું. એને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં પવનને પગમાં ફ્રૅક્ચર થયું હતું.’
મુંબ્રા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કન્ટેનરચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી ઘટનાસ્થળ પરથી નાસી ગયો હોવાથી અકસ્માત માટે જવાબદાર વ્યક્તિને શોધવા તપાસ ચાલી રહી છે.’