વેપારીઓના વિરોધથી સરકાર ડગી

23 December, 2014 05:39 AM IST  | 

વેપારીઓના વિરોધથી સરકાર ડગી


ચાર દિવસ પહેલાં મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશને બજારમાં ખરીદી અને વેચાણમાં પરંપરાગત આડત એટલે કે દલાલીની પદ્ધતિ બંધ કરી (આડત પર પ્રતિબંધ મૂક્યો) એના વિરોધમાં નાશિક જિલ્લાના વેપારીઓએ ગઈ કાલથી ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC)ના બજારમાંથી કાંદા અને બટાટાની ખરીદી બંધ કરી હતી.

આના કારણે કાંદા-બટાટાના લિલામમાં ભાગ નહીં લેવા ઉપરાંત શાકભાજી અને કરિયાણાનાં બજારો બંધ રહેતાં ખેડૂતોને મોટો ફટકો પડવાનો સંભવ હોવાથી વેપારીઓનો રોષ જોઈને સરકારે આડત પરનો પ્રતિબંધ તાત્પૂરતો સ્થગિત કરી દીધો હોવાની જાહેરાત રાજ્યના સહકાર મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલે નાગપુરમાં વિધાનસભાના અધિવેશનમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે પખવાડિયામાં આડતીઓ અને ખેડૂતો સાથે બેઠક કર્યા બાદ આ વિશે વચલો રસ્તો કાઢવામાં આવશે તેમ જ ત્યાં સુધી આડત પરનો પ્રતિબંધ સ્થગિત કરવામાં આવ્યો છે. આડત પરનો પ્રતિબંધ સ્થગિત કર્યાની જાણ કરતો આદેશ પણ સરકારે તત્કાળ જારી કર્યો હતો. 

નાશિક ડિસ્ટ્રિક્ટ ટ્રેડર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ સોહનલાલ ભંડારીએ જણાવ્યું હતું કે આડતની પદ્ધતિ બંધ કરવાનો નિર્ણય પાછો ન ખેંચાય ત્યાં સુધી અમે APMC માર્કેટમાંથી કાંદા અને બટાટા નહીં ખરીદીએ.

આ નિર્ણયને પગલે બજારોમાં કાંદાનો પુરવઠો ઘટતાં એના ભાવ વધવાની શક્યતા હતી કેમ કે ઉત્તર મહારાષ્ટ્રનો લાસલગાંવ જિલ્લો એશિયામાં કાંદાની ઊપજ અને વેપારનું મોટું મથક છે.

રાજ્યમાં ખેડૂતોએ તેમની ઊપજ પર ત્રણથી છ ટકા આડત એટલે કે દલાલી ચૂકવવી પડે છે. આ રીતે ખેડૂતો પાસેથી વર્ષે ૧૫૦૦ કરોડ રૂપિયાની આડત વસૂલ કરવામાં આવે છે.