૪૪ વાર ચડ-ઊતર કરીને ૬ જણના ગ્રુપે બનાવ્યો રેકૉર્ડ

22 December, 2014 05:45 AM IST  | 

૪૪ વાર ચડ-ઊતર કરીને ૬ જણના ગ્રુપે બનાવ્યો રેકૉર્ડ




દાદર (વેસ્ટ)માં આવેલા કોહિનૂર સ્ક્વેર બિલ્ડિંગમાં ગઈ કાલે ૧૨૦૦ પગથિયાં ચડવાની ‘ટાવર રનિંગ’ નામની યોજાયેલી સ્પેશ્યલ સ્પર્ધામાં ૩૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાવન માળના આ બિલ્ડિંગના દાદર ચડવામાં ૮૨ વર્ષના દાદાજીથી લઈને ૯ વર્ષના છોકરાનો સમાવેશ થાય છે. ગઈ કાલે આ ઇવેન્ટમાં ‘એવરેસ્ટ ચૅલેન્જર’ ગ્રુપમાં ૬ લોકોના ગ્રુપે ૪૪ વખત આ દાદરા ચડ-ઊતર કરીને બૅન્ગલોરનો રેકૉર્ડ તોડ્યો હતો.

મુંબઈમાં બીજી વખત યોજાયેલી આ પ્રકારની સ્પર્ધાર્ સવારે ૭ વાગ્યાથી શરૂ થઈ હતી અને ૩૦૦થી પણ વધુ લોકોએ ભારે સ્ફૂર્તિ સાથે બાવન માળના બિલ્ડિંગના દાદરા ચડ-ઊતર કર્યા હતા જેમાં ‘ડેશ’ નામની કૅટેગરીની આ સ્પર્ધામાં ૮૨ વર્ષના જનાર્દન રઘુનાથે ભાગ લીધો હતો અને તેઓ ૧૨૦૦ પગથિયાં ૧૫ મિનિટ અને ૩૦ સેકન્ડમાં ચડી ગયા હતા. આ કૅટેગરીમાં સ્પર્ધકે ફક્ત એક વખત દાદરા ચડીને ઊપર જવાના હોય છે તો ‘એવરેસ્ટ ચૅલેન્જર’ નામની કૅટેગરીની રેસમાં ૩ કલાક ૧ મિનિટ અને ૪ સેકન્ડમાં ૬ જણની ટીમમાં દરેક જણે ૩ વખત ચડ-ઊતર કરીને કુલ ૪૪ વખત દાદરા ચડ-ઊતર કરીને બૅન્ગલોરની ૬ જણની ટીમનો ૩ કલાક અને ૧૩ મિનિટનો રેકૉર્ડ તોડ્યો હતો.