ટ્રિપલ બ્લાસ્ટ

01 December, 2014 06:11 AM IST  | 

ટ્રિપલ બ્લાસ્ટ




અલ્પા નિર્મલ

પાંચ વર્ષનો એક ટાબરિયો ‘કચ્છ દર્શન’ નામના નાટકમાં કૉલર-માઇક પહેરીને સડસડાટ ડાયલૉગ બોલી રહ્યો હતો. દોઢ મિનિટના લાંબા સંવાદ બાદ તે આઠ-દસ સેકન્ડ ચૂપ રહ્યો ત્યારે તેની સાથે જ સ્ટેજ પર ઍક્ટિંગ કરી રહેલી તેની મમ્મીએ તેને ઇશારો કરીને પોતાની લાઇનો આગળ બોલવાનું કહ્યું ત્યારે પેલો ચબરાક બચ્ચો મમ્મીને કહે છે કે મારી લાઇન નથી, હવે દાદીએ બોલવાનું છે. યસ, તેનાં દાદી પણ તેમની સાથે સ્ટેજ શૅર કરી રહ્યાં હતાં; કારણ કે ક.વી.ઓ. સમાજના કલર્સ ગ્રુપે થીમ રાખી હતી ‘કલ, આજ ઔર કલ’, જેમાં એક જ કુટુંબની ત્રણ પેઢીની વ્યક્તિઓએ મળીને પર્ફોર્મ કરવાનું હતું.

આ અવનવા આઇડિયાના જનક કલર્સ ગ્રુપના સુરેશ સાવલા ‘મિડ-ડે’ને કહે છે, ‘આજના સમયમાં બે કે ત્રણ જનરેશનની વ્યક્તિઓ વચ્ચે કમ્યુનિકેશન-ગૅપનો પ્રૉબ્લેમ એટલી હદે વણસી ગયો છે કે એક જ ઘરમાં રહેતા હોવા છતાં એકબીજા વચ્ચે સંવાદનો અભાવ હોય છે. વાતચીત થતી પણ હોય છતાં સમયની ઊણપ, ટીવી અને ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સનું વળગણ અને અન્ય પરિબળોને કારણે એકબીજા વચ્ચે એટલું અંતર પડી જાય છે કે પરસ્પરની ખામીઓ અને ખૂબીઓ વિશે પણ નથી જાણતા. એથી અમે આ વિષય પસંદ કર્યો જેથી તેઓ અરસપરસને વધુ જાણે, સમજે અને ક્લોઝ આવે.’

 કલર્સ ગ્રુપના રમેશ ફુરિયા વાતમાં સૂર પુરાવતાં આગળ કહે છે, ‘અને આ સબજેક્ટને એટલો સુંદર પ્રતિસાદ મળ્યોકે કુલ પાંચ વિભાગ માટે ટોટલ ૬૦ એન્ટ્રી આવી અને ત્રણ મહિના પહેલાં આ દરેકનો પર્ફોર્મન્સ જોઈને અમે ફાઇનલ માટે ટોટલ ૨૩ ગ્રુપ સિલેક્ટ કર્યા.’

શુક્રવારે ૨૭ નવેમ્બરની સાંજે પરેલના દામોદર હૉલમાં ‘કલ, આજ ઔર કલ’ની ગ્રૅન્ડ ફિનાલે હતી જ્યાં આગળ જણાવ્યો એવા અનેક પ્રસંગો બન્યા. ક્યારેક દાદીએ વહુને ગાઇડ કરી તો ક્યારેક દોહિત્રીએ નાનાને ટકોર કરી. ફક્ત કચ્છી સમાજના જ હોય અને સગાં દીકરા-વહુ-દીકરી, પૌત્રી-પૌત્ર, દોહિત્ર-દોહિત્રીઓએ જ આ સ્પર્ધામાં ભાગ લેવાનો હતો અને એ ન્યાયે એક ગ્રુપમાં સસરાજી, વહુ અને પૌત્રએ સહિયારો ડાન્સ કર્યો તો બીજા સાસુ, વહુ, દીકરી, પૌત્રી, દોહિત્રીના ગ્રુપે ઘરના વડીલને સ્મરણાંજલિ આપતું નૃત્ય રજૂ કર્યું. કુલ ચાર ડાન્સ પેશ થયા અને પાંચ ડ્રામા પણ પેશ કરવામાં આવ્યા. સમાજની સમસ્યાઓને વાચા આપતા કે સંસ્કૃતિ દર્શાવતાં નાટકોએ પ્રેક્ષકોને સરસ બોધ આપ્યો તો ત્રણ જનરેશનનાં પાંચ ગ્રુપે ક્વિઝ-કૉન્ટેસ્ટમાં પોતાના જનરલ નૉલેજનો પણ પરચો આપ્યો. એ જ રીતે ફૅશન-શોનાં ચાર ગ્રુપ અને વન મિનિટ ગેમ-શોનાં પાંચ જૂથે ખાસ્સો જલસો કરાવ્યો.

આ દરેક પાર્ટિસિપન્ટમાંથી કોઈ પ્રોફેશનલ નહોતા કે નહોતી લીધી તેમણે કોઈ પ્રોફેશનલની હેલ્પ, છતાં પણ આખાય કાર્યક્રમનો રસ જળવાઈ રહ્યો; કારણ કે ત્રણ પેઢીએ એકબીજા સાથે સંવાદિતા સાધીને જે આઇટમ રજૂ કરી હતી એમાં તેમની મહેનત તાદૃશ્ય થતી હતી. પાંચેપાંચ વિભાગમાંથી ફસ્ર્ટ, સેકન્ડ, થર્ડ વિનર્સને મંડળે ટ્રોફી અને કૅશ પ્રાઇઝથી વધાવ્યા તો દરેક વિભાગમાં બે કન્સોલેશન પ્રાઇઝ પણ આપવામાં આવ્યાં.