નગરસેવકથી માંડીને વિધાનસભ્ય પબ્લિકના પ્રૉબ્લેમ સામે નિષ્ક્રિય

28 November, 2014 05:23 AM IST  | 

નગરસેવકથી માંડીને વિધાનસભ્ય પબ્લિકના પ્રૉબ્લેમ સામે નિષ્ક્રિય




વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ સ્વચ્છ ભારત મિશનની લોકોને અપીલ કરી રહ્યા છે અને લોકોને એમાં જોડાવાનાં આમંત્રણ આપતા ફરે છે ત્યારે મુંબઈની ગલીકૂંચીને સાફ કરવાની અને કચરાનો નિકાલ કરવાની જેની જવાબદારી છે એ મુંબઈ મહાનગરપાલિકા જ હાથ ઉપર કરી નાખે તો પબ્લિકે જવું ક્યાં? એવો જ કોઈક બનાવ કાંદિવલી (વેસ્ટ)ના ઈરાનીવાડીમાં બન્યો હતો.

કાંદિવલીની ઈરાનીવાડીમાં રોડ-નંબર ૩ પર આવેલા શિવ આશિષ અપાર્ટમેન્ટ પાસે સુધરાઈ દ્વારા મૂકવામાં આવેલો કચરાનો ડબ્બો સપ્ટેમ્બર મહિનામાં તૂટી ગયો હતો અને એ ડબ્બાને બદલે નવો ડબ્બો મૂકવા માટે સ્થાનિક રહેવાસી દિલીપ ખોરાસિયાએ સ્થાનિક નગરસેવકથી લઈને સુધરાઈની ઑફિસમાં ફરિયાદ કરી હતી ત્યારે તેમને જે જવાબ મળ્યો એનાથી કોઈ પણ માણસ સમસમી ઊઠે.

સુધરાઈ પાસેથી મળેલા જવાબ બાબતે દિલીપભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવો કચરાનો ડબ્બો મૂકી આપો અથવા નવો ડબ્બો બેસાડી આપો એવી લેખિતમાં અમે નગરસેવકથી લઈને વિધાનસભ્યને ફરિયાદ કરી તો તેમના તરફથી એવો જવાબ મળ્યો કે નવો ડબ્બો લેવા અમારી પાસે પૂરતું ફન્ડ નથી, તમારી પાસે હોય તો તમે મૂકી દો. ડબ્બો તૂટી ગયો હોવાને કારણે સુધરાઈના કર્મચારીઓ રોજ આ ડબ્બામાં રહેલા કચરાને ઉઠાવવાની ના પાડતા હતા. હકીકતમાં ડબ્બો જ એટલો તૂટી ગયો હતો કે એમાં કચરો નાખવાનો કોઈ મતલબ નહોતો. અમે નવા ડબ્બાની માગણી કરી તો સુધરાઈના સિવરેજ ડિપાર્ટમેન્ટ તરફથી ઊલટાના અમને જ ધમકાવવામાં આવ્યા હતા કે આજુબાજુ કચરો ફેંકવા બદલ તમને દંડ ફટકારવામાં આવશે. છેલ્લા અઢી  મહિનાથી બહેરા કાને ફરિયાદ કરીને થાકી જતાં છેવટે ગઈ કાલે મેં મારા જ પૈસે કચરાના ડબ્બાને રિપેર કરાવી દીધો હતો. નફ્ફટ લોકો સાથે નફ્ફટ થઈને આપણને ચાલવાનું નથી.’