પોતાનાં બાળકો પાસે જ્વેલરીની ઉઠાંતરી કરાવતી મહિલા પકડાઈ

25 November, 2014 05:13 AM IST  | 

પોતાનાં બાળકો પાસે જ્વેલરીની ઉઠાંતરી કરાવતી મહિલા પકડાઈ




પોતાનાં બે માઇનર બાળકો સાથે જ્વેલરી-શૉપમાંથી દાગીનાની ઉઠાંતરીના કેસમાં DN નગર પોલીસે ૩૩ વર્ષની એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે બોરીવલીમાંથી આ મહિલાની ધરપકડ કરી હતી, પરંતુ તેનાં બે બાળકો હજી પોલીસને મળ્યાં નથી. કોર્ટે આરોપી મહિલાને પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો હતો.

મીરા રોડમાં રહેતી આરોપી મહિલાનું નામ યાસ્મિન મુસ્તફા કોરડિયા છે અને તેનાં બે માઇનર બાળકો ૧૧ અને ૧૪ વર્ષનાં છે. આ ભેજાબાજ મહિલા સિફતથી ચોરી કરતી હોવાનું જાણવા મળ્યું હતું. તે સારાં કપડાં પહેરીને બાળકો સાથે જ્વેલરી-શૉપમાં જાય અને શોરૂમનો સ્ટાફ દાગીના દેખાડવા માટે પથારો કરે એટલે આ મહિલા સ્ટાફ સાથે વાતો કરે અને તેનાં બાળકો છાનાંમાનાં દાગીના સરકાવીને ખિસ્સામાં મૂકી દે.

પોલીસ સમક્ષ આપેલા બયાનમાં આરોપી મહિલાએ કહ્યું હતું કે બાળકો ચોરી કરી શકે એવી કોઈને શંકા પણ ન જાય અને કદાચ ખબર પડે તો બાળકોને પકડવાનું મુશ્કેલ છે.

પોલીસને શંકા છે કે આ મહિલાએ તેનાં બાળકોને આવી રીતે જ્વેલરી-શૉપમાં ચોરી કરવા માટે ટ્રેઇનિંગ આપી હોવી જોઈએ.

બે જ્વેલરી-શૉપના CCTV કૅમેરાના ફૂટેજ અને બાતમીના આધારે દાગીનાની ચોરીના આરોપમાં પોલીસે યાસ્મિનની ધરપકડ કરી હતી. તેના પર કેટલાક મહિના પહેલાં કોઠારી જ્વેલર્સમાંથી બાવીસ હજાર રૂપિયાનું નેકલેસ અને પરમાર જ્વેલર્સમાંથી ૨૬ હજાર રૂપિયાના ચેનની ઉઠાંતરીનો આરોપ છે. પોલીસને શંકા છે કે આવા અન્ય કેટલાક કેસમાં પણ તે સંડોવાયેલી હશે.