દાદર સ્ટેશન પાસે ફેરિયાઓનો અડ્ડો

20 November, 2014 05:12 AM IST  | 

દાદર સ્ટેશન પાસે ફેરિયાઓનો અડ્ડો


મયૂર સચદે

સેન્ટ્રલ મુંબઈના આ અતિમહત્વના રોડ પર ફેરિયાઓ ચારે કોર ફેલાયેલા જોવા મળે છે એટલું જ નહીં, સ્ટેશન પાસેના ફૂટઓવર બ્રિજ પર પણ ફેરિયાઓ જોવા મળે છે. ભયંકર ટ્રાફિકથી ભરેલા રોડ પર ચારે કોર ફેરિયાઓના કારણે રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે. રોડ અને ફૂટઓવર બ્રિજ પર માલસામાન, ખાદ્યપદાર્થ અને બીજી અનેક વસ્તુઓ વેચતા આ ફેરિયાઓના કારણે લોકોને ચાલવામાં તેમ જ વાહનચાલકોને રોડ પર વાહન ચલાવવામાં હાલાકી વેઠવી પડે છે.

ડેન્ગી જેવા રોગ ફેલાયેલા હોવાથી રોડ પરથી ખાદ્યપદાર્થનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. ફૂટઓવર બ્રિજ પર ડેરો જમાવી બેસેલા ફેરિયાઓના કારણે રાહદારીઓને ફૂટઓવર બ્રિજ પર ચાલવાની જગ્યા નથી મળતી. રોડ પર બેસેલા ફેરિયાઓને કારણે લોકોને ટ્રાફિકમાં ચાલવું પડે છે. ટ્રાફિકમાં ચાલવું ક્યારેક ઘાતક પણ નીવડી શકે છે. આ ફેરિયાઓ બ્રિજ અને રોડ પર કબજો જમાવી દેતા હોવાથી રાહદારીઓએ જીવ જોખમમાં નાખીને ટ્રાફિકવાળા રોડ પર ચાલવું પડે છે.

આ બાબતે માહિતી આપતાં રતિલાલ સાવલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું ૬૮ વર્ષનો સિનિયર સિટિઝન છું. ફેરિયાઓ તો હટવાનું નામ જ નથી લેતા. ફૂટઓવર બ્રિજને પોતાની જાગીર સમજી બેસેલા ફેરિયાઓને હટાવવાની સખત જરૂર છે. સવાર-સાંજ આ બ્રિજ પરથી લોકો પસાર થતા હોય છે. બ્રિજ પર પથારો પાથરીને બેસેલા ફેરિયાઓને પર્મનન્ટ રીતે હટાવવાની જરૂર છે.’