બૉલીવુડમાં મેક-અપના ક્ષેત્રમાં મહિલાઓને અછૂત ગણતો ૫૯ વર્ષ જૂનો નિયમ આજે રદ થઈ જશે ખરો?

10 November, 2014 05:55 AM IST  | 

બૉલીવુડમાં મેક-અપના ક્ષેત્રમાં મહિલાઓને અછૂત ગણતો ૫૯ વર્ષ જૂનો નિયમ આજે રદ થઈ જશે ખરો?



બૉલીવુડના સિને કૉસ્ચ્યુમ મેક-અપ આર્ટિસ્ટ્સ ઍન્ડ હેરડ્રેસર્સ અસોસિએશન (CCMAA)નું મેમ્બરશિપ કાર્ડ મહિલાઓને ન મળે. ૨૦૦૯માં આવું સાંભળીને ૫૯ વર્ષથી ચાલ્યા આવતા આ નિયમ સામે યંગ મેક-અપ આર્ટિસ્ટ ચારુ ખુરાના મેદાને પડી હતી અને હવે પાંચ વર્ષની કાનૂની લડત બાદ સુપ્રીમ કોર્ટે CCMAAના આ નિયમને ગેરબંધારણીય અને મહિલાઓ માટે અન્યાયપૂર્ણ ગણાવીને એમાં ફેરફાર કરવાની સૂચના આપી છે. આજે થનારી સુનાવણીમાં જો અસોસિએશન કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં આપે તો સુપ્રીમ કોર્ટ આ નિયમ દૂર કરવાનો ઑર્ડર આપશે.

ચારુ ખુરાનાનો સંઘર્ષ પણ ફિલ્મી સ્ટોરી જેવો જ છે. હાલમાં ૩૨ વર્ષની મૂળ દિલ્હીની આ મેક-અપ આર્ટિસ્ટ વર્ષ ૨૦૦૦માં એક દિવસ ઘરે એકલી હતી ત્યારે તેની મમ્મીની મેક-અપ કિટ જોઈ હતી. તેની મમ્મી દિલ્હીમાં નાની-મોટી ઇવેન્ટમાં અને લગ્નોમાં મેક-અપ કરવાનું કામ કરતી હતી, પરંતુ ચારુના જન્મ બાદ તેણે આ કામ છોડી દીધું હતું. ચારુને મેક-અપ આર્ટિસ્ટ બનવાની લગની લાગી અને બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં ડિગ્રી લીધા બાદ બે વર્ષ દિલ્હીમાં જ એક મેક-અપ આર્ટિસ્ટ પાસે તેણે ટ્રેઇનિંગ લીધી હતી. જોકે ચારુને તો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નામ કાઢવું હતું તેથી અમેરિકાના લૉસ ઍન્જલસની સિનેમા મેક-અપ સ્કૂલમાં ડિપ્લોમા કરીને મુંબઈ આવી હતી.

મહિનાઓ સુધી તેણે CCMAAનું મેમ્બરશિપ કાર્ડ મેળવવા મથામણ કરી, પરંતુ તેને મેમ્બરશિપ ન મળી. તેણે સાઉથની ફિલ્મો તરફ નજર માંડી હતી અને ૨૦૦૯માં ‘અ વેન્સ્ડે’ ફિલ્મની તામિલ રીમેકમાં તે કામ કરતી હતી ત્યારે યુનિયને રેઇડ પાડીને ચારુને પરેશાન કરીને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો અને તેને ફિલ્મ પણ છોડવી પડી. ત્યારે તેને જાણ થઈ કે યુનિયનમાં મહિલાઓને મેમ્બરશિપ કાર્ડ ન આપવું એવો નિયમ છે. ચારુએ આ સંબંધે કોર્ટમાં અરજી કરી અને પાંચ વર્ષ બાદ તેની લગભગ જીત થઈ ચૂકી છે.