બિસમાર રસ્તાઓ અને ફેરિયાઓ મેટ્રો રેલની શાન પર કલંક સમાન

15 October, 2014 03:46 AM IST  | 

બિસમાર રસ્તાઓ અને ફેરિયાઓ મેટ્રો રેલની શાન પર કલંક સમાન



રોહિત પરીખ

ઘાટકોપરના વિકાસની વાતો કરતા સામાજિક કાર્યકરો અને રાજકીય નેતાઓએ છેલ્લાં નવ વર્ષમાં ઘાટકોપર-વેસ્ટના જયંતીલાલ વૈષ્ણવ માર્ગ અને હીરાચંદ દેસાઈ રોડ તરફ જોયું નથી એવો સણસણતો આક્ષેપ આ વિસ્તારના રહેવાસીઓ અને દુકાનદારો કરી રહ્યા છે. ઘાટકોપરમાં મેટ્રો રેલનું બાંધકામ શરૂ થયું એ સાથે જ સવોર્દય હૉસ્પિટલની સામેના હીરાંચદ દેસાઈ રોડ અને બાજુના જયંતીલાલ વૈષ્ણવ માર્ગની હાલત કથળવા લાગી હતી. એક સારો અને પબ્લિકના ફાયદાનો પ્રોજેP આવતો હોય ત્યારે એને કારણે થનારી મુશ્કેલીઓ પબ્લિક સહન કરી લેતી હોય છે, પણ જે પ્રોજેP પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય અને એને લીધે નજીકના વિસ્તારને થયેલા નુકસાન તરફ સરકાર કે જનતાના સેવક હોવાનો ડોળ કરતા રાજકીય નેતાઓ ધ્યાન ન આપે ત્યારે પ્રજાનો રોષ ભભૂકી ઊઠે છે.

આવો જ રોષ ઘાટકોપર રેલવે-સ્ટેશનની નજીક રહેતા રહેવાસીઓ અને જે પ્રોજેPને કારણે ધંધામાં નુકસાની કરી છે એ દુકાનદારોનો છે. અમે તો એક પણ રાજકીય નેતાનાં વખાણ કરી શકીએ એમ નથી એમ જણાવતાં આ વિસ્તારના રહેવાસીઓ અને દુકાનદારોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જે હાલતમાં અમે નવ વર્ષ ગુજાર્યા છે એ અમે જ જાણીએ છીએ અને હજી અમે જે રીતની હાલતમાં રહીએ છીએ એ પણ સહન કરી રહ્યા છીએ. એ સાંભળવા માટે પણ કોઈની પાસે સમય નથી. જેને સાંભળ્યું છે તેણે આ બાબત પર કોઈ ઍક્શન-પ્લાન બનાવીને સરકાર પર દબાણ લાવવાનું કામ કર્યું હોય એવું અમને દેખાતું નથી. નવ વર્ષથી અમારા રસ્તાઓ બિસમાર બની ગયા છે. બાળકો, મહિલાઓ, વૃદ્ધો, શારીરિક રીતે અક્ષમ લોકો આ રસ્તા પર કેવી રીતે ચાલે છે એ બધા રાજકીય પક્ષોએ એકસાથે આવીને જોવાની જરૂર છે. વચનોની લહાણી ઘણી કરી, એકબીજા પર આક્ષેપો કર્યા; પણ અમારી હાલત સુધારવા માટે કોઈએ તસ્દી લીધી નહીં.’

આ સંદર્ભમાં આ વિસ્તારમાં ટિમ્બરનો બિઝનેસ કરતા પ્રવીણ કારિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેટ્રો રેલ બાંધવા પાછળ જે કરોડો રૂપિયા ખર્ચ કયોર્ એની સાથે મેટ્રો જ્યાંથી શરૂ થઈ રહી છે એ ઘાટકોપર રેલવે-સ્ટેશનના રસ્તાઓ પણ એ ખર્ચ સાથે જોડી દેવાની જરૂર હતી. મેટ્રો જો મુંબઈની શાન છે તો ઘાટકોપર રેલવે-સ્ટેશન ઘાટકોપરની શાન છે. એના બિસમાર રસ્તાઓ અને એ રસ્તાઓ પર કબજો કરીને બેઠેલા ફેરિયાઓ એ શાન પર કલંક સમાન છે.’