લોહાર ચાલમાં એક બિલ્ડિંગની સમસ્યા બીજા બિલ્ડિંગ માટે બની ત્રાસરૂપ

14 October, 2014 04:51 AM IST  | 

લોહાર ચાલમાં એક બિલ્ડિંગની સમસ્યા બીજા બિલ્ડિંગ માટે બની ત્રાસરૂપ


ગીતાગૃહ બિલ્ડિંગની તૂટેલી ટૉઇલેટની પાઇપલાઇન જેને કારણે ગંદકી છાપરા પર અને  નીચે જમા થાય છે અને ફેલાય છે.



અંકિતા સરીપડિયા

 ગંદકી અને ટૉઇલેટની તૂટેલી પાઇપલાઇનને કારણે રહેવાસીઓને તીવ્ર વાસ તેમ જ બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સુધરાઈના અધિકારીઓને જાણ હોવા છતાં તેઓ કોઈ પગલાં લઈ ન રહ્યાં હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું.

આ વિશે વધુ માહિતી આપતાં તવાવાલા બિલ્ડિંગના રહેવાસી નરેન્દ્ર શેઠે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગની પાછળ આવેલા ગીતાગૃહ બિલ્ડિંગની પહેલા માળથી ચોથા માળ સુધીની ટૉઇલેટની પાઇપલાઇન છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તૂટેલી છે. એને કારણે ગંદકી બહાર ફેલાય છે તેમ જ તીવ્ર વાસ આવે છે. એમ છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું નથી. એ સિવાય હાઉસગલી પણ સાફ થતી નથી અને ટૉઇલેટની ગંદકી છાપરા પર જમા થાય છે જેને કારણે બારી પણ ખોલી શકાતી નથી અને ચોથા માળ સુધી ગંદી વાસ આવે છે.

મારા ઘરના રસોડાની બારી એ વિસ્તારમાં હોવાથી સમસ્યા વધે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારી ફેલાવાનો ભય પણ રહે છે. આ બાબતે મેં ઘ્ વૉર્ડમાં બે મહિના પહેલાં ફરિયાદ કરતાં સિવરેજ ડિપાર્ટમેન્ટનાં સ્મિતા પવારે સ્ટાફ સાથે આવીને અમારા વિસ્તારની મુલાકાત લીધી હતી અને જલદી જ આ સમસ્યા બાબતે પગલાં લેવામાં આવશે એમ કહ્યું હતું, પરંતુ હજી સુધી સમસ્યા એમની એમ છે.’આ વિશે ઘ્ વૉર્ડના સિવરેજ ડિપાર્ટમેન્ટનાં સ્મિતા પવારે મિડ-ડે LOCAL સાથે વાત કરતાં તેમણે કામ કરી આપવાનું ફક્ત આશ્વાસન જ આપ્યું હતું.