બાંધકામના પ્રોજેક્ટ્સ માટે પર્યાવરણનાં ધોરણો હળવાં કરવા ચાલતી વિચારણા

11 October, 2014 06:27 AM IST  | 

બાંધકામના પ્રોજેક્ટ્સ માટે પર્યાવરણનાં ધોરણો હળવાં કરવા ચાલતી વિચારણા



કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય હવે વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીઝ, નૅશનલ પાર્ક અને ઇકો-સેન્સિટિવ ઝોનમાં કે એની નજીકના વિસ્તારના ટાઉનશિપ, બિલ્ડિંગ્સ કે બાંધકામના પ્રોજેક્ટ્સ માટે મંજૂરીનાં ધોરણો હળવાં કરવા વિશે વિચારી રહ્યું છે. ટૂંક સમયમાં જ નિવાસી અને વેપારી બિલ્ડિંગ્સ, ટાઉનશિપ, હોટેલ્સ, હૉસ્પિટલ્સ અને પાર્ક જેવા પ્રોજેક્ટ્સ માટે મંજૂરી મેળવવા માત્ર સંબંધિત રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે. પર્યાવરણ સુરક્ષા ધારા-૧૯૮૬ હેઠળ કેન્દ્ર પાસેથી એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સની મંજૂરી મેળવવાની રહેશે નહીં.

તાજેતરમાં એક નૉટિફિકેશન દ્વારા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ, અતિ પ્રદૂષિત વિસ્તાર, નોટિફાઇડ ઇકો સેન્સિટિવ એરિયા કે આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સરહદ હેઠળ આવતા સુરક્ષિત વિસ્તારના ૧૦ કિલોમીટરની હદમાં આવતા પ્રોજેક્ટ્સ માટે સ્ટેટ એન્વાયર્નમેન્ટ ઇમ્પૅક્ટ અસેસમેન્ટ ઑથોરિટી પાસેથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની રહેશે. ઑથોરિટીનો નિર્ણય રાજ્યની એક્સપર્ટ અપ્રેઇઝલ કમિટીની ભલામણ પર આધારિત રહેશે.

હાલમાં નૅશનલ પાર્ક કે વાઇલ્ડ લાઇફ સૅન્ક્ચ્યુઅરીઝની નજીકમાં આવેલા પ્રોજેક્ટ્સ માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક્સપર્ટ અપ્રેઇઝલ કમિટીની મંજૂરી મેળવવાની રહે છે. આ મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર દ્વારા પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી આપવા વિશે નિર્ણય લેવામાં આવે છે. આ તમામ મંજૂરીઓ મેળવવામાં વધુ સમય લાગી જાય છે.  

ઉદ્યોગ તરફથી તેમ જ હાઉસિંગ પ્રોજેક્ટના પ્રમોટર્સ તરફથી લાંબા સમયથી આવા પ્રોજેક્ટ્સ માટે મંજૂરી મેળવવાની લાંબી અને કંટાળાજનક પ્રોસેસ સામે ફરિયાદ કરવામાં આવી રહી હતી. તેમના મતે મ્યુનિસિપલ ઑથોરિટીની હદમાં આવતા પ્રોજેક્ટ્સના માસ્ટર પ્લાન પર કેન્દ્રની પણ મંજૂરી મેળવવી જરૂરી નથી. જોકે પર્યાવરણવિદોનું કહેવું હતું કે આ માસ્ટર પ્લાનની વિગતે છણાવટ કરવાના હેતુથી કેન્દ્ર સરકારની મંજૂરી અનિવાર્ય છે.


પર્યાવરણ મંત્રાલયની ફૉરેસ્ટ ઍડ્વાઇઝરી કમિટી ફૉરેસ્ટ ઍક્ટ-૧૯૮૦ હેઠળ પ્રાઇવેટ ફૉરેસ્ટ લૅન્ડ પર નિવાસી સંકુલ બાંધવા માટેની માર્ગરેખા તૈયાર કરી રહી છે. એ ઉપરાંત નવી સરકાર દ્વારા ઉદ્યોગ માટેના નિયમો હળવા કરવા લેવાયેલાં પગલાં થકી સૂચિત બદલાવ આવી રહ્યો છે. હાલમાં કેન્દ્રએ માઇનિંગ, રોડ, પાવર અને ઇરિગેશન સેક્ટર માટેનાં ધોરણો હળવાં કયાર઼્ છે. આ વિવિધ પર્યાવરણ સુરક્ષા ઍક્ટ, ફૉરેસ્ટ (કન્ઝર્વેશન) ઍક્ટ, વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) ઍક્ટ જેવા વિવિધ પર્યાવરણીય કાયદાઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કર્યું છે, જેને બે મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરવા જણાવાયું છે.