ભાઇંદરના દેવચંદનગરમાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની માગણી

09 October, 2014 08:05 AM IST  | 

ભાઇંદરના દેવચંદનગરમાં પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની માગણી



પ્રીતિ ખુમાણ ઠાકુર

ભાઇંદર-વેસ્ટમાં જૈનોની વસ્તી ધરાવતા દેવચંદનગરમાં આવેલાં બે પ્રખ્યાત દેરાસરમાં બે મહિનામાં બે વખત એકસરખી રીતે ચોરી થતાં રહેવાસીઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા હોવાથી રહેવાસીઓએ આખા વિસ્તારમાં પોલીસ-પૅટ્રોલિંગ વધારવા માટેની માગણી કરી છે.  લોકોની અવરજવરના મુખ્ય વિસ્તારમાં કેટલીયે વખત ચેઇન-સ્નૅચિંગ અને ચોરી જેવા બનાવો પણ બને છે આથી લોકોએ પોલીસ સામે પણ નારાજગી દાખવી છે.વધુ માહિતી આપતાં આ વિસ્તારમાં રહેતા એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ચોરી અને ચેઇન-સ્નૅચિંગ જેવા બનાવો અમારા વિસ્તારમાં વધી રહ્યા છે. એ સાંભળીને અમને નવાઈ લાગી રહી છે. આ વિસ્તાર સૌથી વધુ ગીચ છે. રાતના સમયે પણ લોકોની અવરજવર તો હોય જ છે. છતાં અહીંનાં બહુ જાણીતાં દેરાસરોમાંથી ચોરી થતાં અમે બધા તો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છીએ.

બે મહિના પહેલાં બાવન જિનાલયમાં ચોરી થઈ અને એ બાદ શનિવારે ૧૦૦૮ આદિનાથ દિગંબર જૈન મંદિરમાં પણ એવી જ રીતે ચોરી કરીને લાખો રૂપિયા લઈ જવામાં આવ્યા તો અમારા ઘરમાં ચોરી કરતાં કેટલી વાર લાગશે. આથી પોલીસ આ વિસ્તારમાં પૅટ્રોલિંગનું પ્રમાણ વધારે એવી અમારી માગણી છે. પોલીસ અમને અલર્ટ રહેવાનું કહે છે પણ અમે તો અમારી રીતે અલર્ટ છીએ જ. એ સાથે પોલીસ પણ અહીં દિવસે અને ખાસ કરીને રાતના સમયે રાઉન્ડ મારતી રહે તો ચોરોમાં એક ડર બન્યો રહેશે. આ ઉપરાંત કેટલીક વખત અસામાજિક તત્વો પણ એમનો અડ્ડો જમાવીને રાતના સમયે જ્યાં-ત્યાં બેઠા હોય છે, એ કારણે પણ વિસ્તાર અસુરક્ષિત બની જાય છે. જો પોલીસ રાઉન્ડ મારતી રહે તો તેઓ પણ બેસતા બંધ થઈ જશે અને વિસ્તારમાં સેફ્ટીનું પણ પ્રમાણ વધશે.’