ગૌરીશંકરવાડીના રહેવાસીઓનો નિર્ધાર નો લાઇટ નો વોટ

08 October, 2014 05:23 AM IST  | 

ગૌરીશંકરવાડીના રહેવાસીઓનો નિર્ધાર નો લાઇટ નો વોટ



રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં આવેલી ગૌરીશંકરવાડીના રહેવાસીઓને ૨૦૦૯થી રોડ અને સ્ટ્રીટ-લાઇટ માટે રાજકીય નેતાઓ ફક્ત પોકળ વચન આપીને જતા રહે છે એથી કંટાળેલા રહેવાસીઓ આ વિધાનસભાની ચૂંટણીમાં ‘નો લાઇટ નો વોટ’નું આંદોલન છેડવા ઉગ્ર બન્યા છે. એ માટેની શરૂઆત તેમણે SMSના માધ્યમથી કરી દીધી છે.

ગૌરીશંકરવાડીના રહેવાસીઓની આ સમસ્યાને એક વર્ષ પહેલાં મિડ-ડે LOCALમાં પણ વાચા આપવામાં આવી હતી. સ્ટ્રીટ-લાઇટો ન હોવાથી અહીંની ૨૫થી વધુ સોસાયટીના ૨૦,૦૦૦થી વધુ રહેવાસીઓના જીવ જોખમમાં રહે છે. રોજબરોજ ચેઇન અને મોબાઇલ-સ્નૅચિંગના બનાવો સામાન્ય બની ગયા છે. રોડની કથળેલી હાલતને કારણે બાળકો અને વૃદ્ધજનોને ચાલવામાં કષ્ટ પડે છે, પરંતુ વચનોની લહાણી કરીને ઘાટકોપરના વિકાસની વાતો કરનાર રાજનેતાઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં તદ્દન નિષ્ફળ
ગયા છે.

આવી ફરિયાદ કરતાં સ્થાનિક રહેવાસીઓએ આક્રોશભર્યા શબ્દોમાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ એક ગંભીર સમસ્યા છે, પણ નીંભર નેતાઓને આની કોઈ અસર થતી નથી. અમારો અવાજ ઊઠે ત્યારે તેઓ દોડીને આવે છે અથવા તો ફોન પર વાયદા પર વાયદા કરતા રહે છે, પણ એના પરની તેમની કાર્યવાહી ઝીરો હોય છે. આ ચૂંટણીમાં અમારો એક જ નિર્ધાર છે કે ‘નો લાઇટ નો વોટ’ અને જે રાજનેતાએ અમને પાંચ વર્ષથી અમારી સમસ્યા સામે ફક્ત પોકળ વચન જ આપ્યાં છે તેમને તો કોઈ પણ સંજોગોમાં અમે વોટ નહીં આપીએ.’