વાલ પખાડીની ગંદકી અને કચરો અંતે દૂર થતાં રહેવાસીઓને રાહત

07 October, 2014 06:00 AM IST  | 

વાલ પખાડીની ગંદકી અને કચરો અંતે દૂર થતાં રહેવાસીઓને રાહત



અંકિતા સરીપડિયા


ડોંગરીના વાલ પખાડીમાં આવેલાં છ બિલ્ડિંગોની અંદરના રસ્તાઓ પર ગંદકી અને કચરો રહેતો હતો તેમ જ બે મહિનાથી ઊભરાતી ગટરને કારણે ગંદા પાણી રસ્તા પર ફેલાતાં હતાં, જેને કારણે સ્થાનિક રહેવાસીઓને ગંદકીથી ફેલાતી વાસ તેમ જ ગંદા રસ્તાઓનો સામનો કરવો પડતો હતો. આ વિશે ૧૯ ઑગસ્ટે મિડ-ડે LOCALમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ અઠવાડિયામાં જ આ રસ્તાઓ સુધરાઈ દ્વારા સાફ કરવામાં આવ્યા હતા તેમ જ ગટરોનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું.

આ વિશે વધુ માહિતી આપતાં સ્થાનિક રહેવાસી ડાહ્યાભાઈ સોલંકીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અનેક મહિનાઓથી અમે આ સમસ્યા વેઠી રહ્યા હતા અને એ પણ વરસાદના સમયમાં. એને કારણે રહેવાસીઓને અનેક મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ આ ન્યુઝ મિડ-ડે LOCALમાં પ્રકાશિત થયા બાદ સુધરાઈના અધિકારીઓએ અમારી સોસાયટીની મુલાકાત લઈને ઊભરાતી ગટરની આજુબાજુ ડામરકામ કરાવ્યું હતું અને નીકળી ગયેલા પેવર બ્લૉક્સવાળી ખાલી જગ્યાઓ પણ પૂરી રસ્તાને સમથળ બનાવ્યો હતો એથી અમે રહેવાસીઓ મિડ-ડે LOCALનો આભાર માનીએ છીએ.’