આ ગંદકીથી લોકો હેરાન-પરેશાન

27 December, 2012 07:42 AM IST  | 

આ ગંદકીથી લોકો હેરાન-પરેશાન



શિરીષ વક્તાણિયા

ગિરગામ કોર્ટ પાસેની પરીખ સ્ટ્રીટમાં આવેલા નાઝ સિનેમાના પ્રાઇવેટ રસ્તા પરથી પસાર થનારા રહેવાસીઓએ મિડ-ડે LOCALને કરેલી લેખિત ફરિયાદને આધારે આ પ્રાઇવેટ રસ્તા પર કરવામાં આવેલા નિરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે આ વિસ્તારના બિલ્ડિંગની ગટર લાઇનો તૂટી ગઈ છે, એથી આ પ્રાઇવેટ રસ્તા પર ગટરનું પાણી જમા થઈ રહ્યું છે. એને કારણે હજારોની સંખ્યામાં રોજ આ રસ્તા પરથી બાલકૃષ્ણ મંદિરમાં જતા સિનિયર સિટિઝનો તથા આ રસ્તા પર આવેલા અશોક હાઇ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને ત્રાસ વેઠવો પડી રહ્યો છે. આ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી નાઝ સિનેમાથી થઈને લૅમિંગ્ટન રોડ પર નીકળાય છે.

પરીખ સ્ટ્રીટ પર આવેલા ઋષભ અપાર્ટમેન્ટમાં રહેતા ૭૧ વર્ષના હરીશ સુતરિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રોજ સવારે મંદિર જવા માટે મને આ પ્રાઇવેટ રસ્તા પર પડેલા ગટરના પાણીને ઓળંગીને પસાર થવું પડે છે. આ રસ્તો એટલો ગંદો છે કે અમારું આરોગ્ય હાલમાં જોખમમાં મુકાઈ ગયું છે. આ ગંદકીને કારણે અમારા વિસ્તારમાં રોગ પણ ફેલાઈ રહ્યો છે. સુધરાઈને પણ અમે આ રસ્તાની ગંદકી માટે ઘણી વાર ફરિયાદ કરી હતી, પણ આ રસ્તો પ્રાઇવેટ રસ્તો છે એમ કહી સુધરાઈએ રસ્તો સાફ કરવાની ના પાડી દીધી હતી.’

આ વિસ્તારમાં આવેલા વિજય ચેમ્બર્સ નામના બિલ્ડિંગમાં રહેતાં ૬૪ વર્ષનાં ગૃહિણી પુષ્પા મોદીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મંદિરમાં જવા રોજ અમારે આ ગટરના પાણીવાળા રસ્તાથી પસાર થવું પડે છે. આ ગંદકીને લીધે અમારા વિસ્તારના ઘણા લોકો મલેરિયા જેવા રોગથી પીડાઈ રહ્યા છે. આ પ્રાઇવેટ રસ્તાથી પસાર થનારા ઘણા લોકો સ્લિપ પણ થયા છે અને તેમને ઈજાઓ પણ પહોંચી છે. આ કમ્પાઉન્ડ મંગલદાસ ટ્રસ્ટનું છે અને તેમણે જલ્ાદીથી જ આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ.’

મંગલદાસ ટ્રસ્ટના માલિક નીતિન મંગલદાસે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ગટરના પાણીની ગંદકી માટે આ બિલ્ડિંગના રહેવાસીઓ અને મંદિરમાં રહેતા પૂજારીઓ જ જવાબદાર છે. સુધરાઈને અમે પણ ઘણી વાર અહીંના રહેવાસીઓ અને પૂજારીઓ વિરુ¢ ફરિયાદ કરી છે, પણ સુધરાઈ કોઈ કાર્યવાહી કરતી નથી. અમે રહેવાસીઓને તેમના ઘરની બહાર કચરાનો ડબ્બો રાખવાની સલાહ આપી હતી, તેમ છતાં તેઓ ગંદકીમાં વધારો કરી કમ્પાઉન્ડમાં જ કચરો નાખી રહ્યા છે.’

મંદિરના છાપરા પરથી ગટરનું પાણી વહે છે


શંકર ભગવાનના શિવલિંગ પરથી દૂધ વહે છે એવી જ રીતે તૂટેલા ગટરની પાઇપ-લાઇનોને કારણે આ મંદિર પરથી ગટરનું પાણી વહી રહ્યું છે, એથી આ મંદિરમાં જતા ભક્તો પણ ઘણા રોષે ભરાયા છે.