દુર્ગંધ મારતાં ટૉઇલેટ માટે પણ પૈસા પડાવતા રેલવે કૉન્ટ્રૅક્ટરો

27 December, 2012 05:57 AM IST  | 

દુર્ગંધ મારતાં ટૉઇલેટ માટે પણ પૈસા પડાવતા રેલવે કૉન્ટ્રૅક્ટરો

રેલવે રૂલબુકમાં મુતરડીનો ઉપયોગ ફ્રી હોય છે તેમ જ ટૉઇલેટ માટે બે રૂપિયા ચાર્જ લેવાનો હોય છે, જ્યારે રેલવે-સ્ટેશનો પર કૉન્ટ્રૅક્ટરો મુતરડીના ઉપયોગ માટે બેથી પાંચ રૂપિયા લે છે. સેન્ટ્રલ, વેસ્ટર્ન તથા હાર્બર લાઇનના ૭૦ લાખ મુસાફરો માટે માત્ર ૩૫૫ ટૉઇલેટ તથા ૬૭૩ મુતરડીઓ છે. પરિણામે તમામ જગ્યાએ લાંબી લાઇનો જોવા મળે છે. પૈસા ચૂકવવા છતાં ટૉઇલેટ એટલાં ગંદાં હોય છે કે લોકોએ નાક પર હાથ રાખી મૂકવો પડે છે.

સીએસટી સ્ટેશન પર એક ટૉઇલેટના બારણા આગળ જ એક મહિલા કોઈને પણ ત્રણ રૂપિયા લીધા સિવાય અંદર જવા નથી દેતી. આ ટૉઇલેટ સ્વચ્છ તો નથી જ હોતાં, પરંતુ ઇમર્જન્સીમાં એનો ઉપયોગ કરવો પડતો હોય છે. રિપોર્ટરે તે મહિલાને પૂછ્યું કે મુતરડી તો ફ્રી હોય. ત્યારે તે મહિલાએ કહ્યું કે ‘તીન રૂપિયા દે કે અંદર જાને કા, હમકો ક્યા પતા અંદર ક્યા કરને કા હૈ.’ ચર્ચગેટ સ્ટેશનની મુતરડીમાંથી આવતી દુર્ગંધ સહન થઈ ન શકે એવી હોય છે. મુતરડી તથા ટૉઇલેટના ઉપયોગ માટે મુસાફરો પાસેથી બે રૂપિયા લેવામાં આવે છે

આવી જ કંઈક હાલત મુંબઈ સુધરાઈનાં ટૉઇલેટની છે. શહેરમાં કુલ ૨૮૪૯ પબ્લિક ટૉઇલેટ છે. સિનિયર સિટિઝન તથા શારીરિક રીતે અક્ષમ લોકોને ફાવે એ માટે વેસ્ટર્ન સ્ટાઇલનાં ટૉઇલેટ બનાવવા પણ કહેવામાં આવ્યું છે. એમ છતાં ક્યાંય આવાં ટૉઇલેટ નથી. કેટલાંક પબ્લિક ટૉઇલેટના અટેન્ડન્ટનું કહેવું છે કે સફાઈ જાળવવા માટે તેઓ મુતરડીના પણ પૈસા લે છે. ભુલાભાઇ દેસાઈ રોડ પાસે આવેલા સુધરાઈના નવા ચિલ્ડ્રન પાર્કના અટેન્ડન્ટે કહ્યું હતું કે અમે ટૅન્કની મદદથી પાણી લાવીએ છીએ એટલે પેશાબ કરવા માટે પણ પૈસા લઈએ છીએ.

પબ્લિક ટૉઇલેટમાં પૈસા લેવાની પ્રવૃત્તિ અટકાવવા માટે સુધરાઈના કન્ઝર્વન્સી સ્ટાફને એનું સંચાલન સોંપવાની માગણી મુંબઈ સફાઈ કર્મચારી ઉત્કર્ષ સમિતિના પ્રમુખ અરવિંદ બોરીચાએ કરી છે