૮ મહિનાથી ૭ મિનિટને બદલે ૪૫ મિનિટ

22 December, 2012 10:40 AM IST  | 

૮ મહિનાથી ૭ મિનિટને બદલે ૪૫ મિનિટ




નડતરરૂપ : કુર્લાથી સાયન તરફ જતા એલબીએસ રોડ પરના લૂપ રોડ જંક્શન પર છેલ્લા આઠેક મહિનાથી ખોદી કાઢવામાં આવેલો ખાડો. તસવીર : સપના દેસાઈ



(સપના દેસાઈ)

સાયન, તા. ૨૨

કુર્લાથી સાયન તરફ જતા એલબીએસ રોડ પરના લૂપ રોડ જંક્શન પર છેલ્લા આઠેક મહિનાથી રસ્તાની વચ્ચોવચ ખોદી કાઢવામાં આવેલા ખાડાને કારણે મોટરિસ્ટો હેરાન-પરેશાન થઈ ગયા છે. કહેવાય છે કે આ ખાડો અન્ડરગ્રાઉન્ડ ગટરના કામ માટે ખોદવામાં આવ્યો હતો, પણ કેટલીક મંજૂરી મેળવવાની બાકી હોવાથી એનું કામ હજી સુધી શરૂ નથી થઈ શકયું. આ ખાડાને લીધે સૌથી વધુ જો કોઈને ત્રાસ ભોગવવો પડતો હોય તો એ માર્ગેથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને દાદર ટર્મિનસ તરફ જતા લોકોને છે.

આ રસ્તા પરથી દરરોજ કુર્લાથી વાશી જતા અને કુર્લા (વેસ્ટ)માં રહેતા બિઝનેસમૅન હીરેન વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા આઠેક મહિનાથી હું અહીં આ રસ્તામાં વચ્ચોવચ ખાડો જોઈ રહ્યો છું. મારી ઑફિસ વાશીમાં આવેલી હોવાથી હું રોજ કુર્લા-સાયન એલબીએસ માર્ગથી ચેમ્બુર થઈને વાશી પહોંચું છું. કુર્લાથી સાયન જતાં માંડ સાતથી આઠ મિનિટ થતી હોય છે ત્યારે આ ખાડાને લીધે સવાર-સાંજ બન્ને સમયે આટલું અંતર કાપતાં મને ઓછામાં ઓછો પોણો કલાક થાય છે. દરરોજ અહીં અડધોથી પોણો કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ થતો હોય છે. ખાડાને લીધે અહીં આ રસ્તા પરથી ત્રણ લેનમાં ગાડી જવી જોઈએ એને બદલે સિંગલ ગાડીઓ પાસ થતી હોય છે. એને કારણે લોકોનો કીમતી સમય બરબાદ થવાની સાથે લાખો રૂપિયાનું રોજનું પેટ્રોલ-ડીઝલ બરબાદ થાય છે, પણ કોઈને કંઈ પડી નથી.’

લૂપ રોડ જંક્શનને ટ્રાફિક-પોલીસ કચરપટ્ટી સિગ્નલ કહે છે. એ સિગ્નલ પર ડ્યુટી કરી રહેલા એક ટ્રાફિક-કૉન્સ્ટેબલે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એલબીએસ માર્ગ પહેલેથી હેવી ટ્રાફિકવાળો રોડ ગણાય છે. એક તો અહીં રસ્તો સાંકડો છે. એમાં આ લોકોએ સિગ્નલથી સો ફૂટના અંતરે ખાડો ખોદી મૂક્યો છે એને લીધે થતા ટ્રાફિક જૅમને ક્લિયર કરતાં અમારા નાકે દમ આવી જાય છે. સિગ્નલની ડ્યુટી છોડીને અમારે આ ખાડા પાસે ઊભા રહીને એક-એક ગાડી બહાર કાઢવી પડે છે, જે પીક-અવર્સમાં અમારા માટે માથાનો દુખાવો બની જાય છે. અમે અમારા ઉપરી અધિકારીઓને કહી-કહીને થાકી ગયા, પણ તેઓ પણ અમારી વાત પર ધ્યાન આપતા નથી. ’

અમને જાણ નથી : સુધરાઈ


છેલ્લા આઠેક મહિનાથી એલબીએસ માર્ગ પર બરોબર વચ્ચે ખાડો ખોદીને મૂકવામાં આવ્યો છે એ બાબતે જી-નૉર્થ વૉર્ડના સુધરાઈના સિવરેજ ઍન્ડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ પોતાને આ ખાડા વિશે કોઈ જાણ ન હોવાનું કહ્યું હતું, જ્યારે જી-નૉર્થના વૉર્ડ-ઑફિસર શરદ ઊઘડેએ ‘મિડ-ડે’ને આ બાબતે પૂરી તપાસ કરવામાં આવશે એવું જણાવ્યું હતું.

અમે જવાબદાર નથી : કૉન્ટ્રૅક્ટર


એલબીએસ માર્ગ પર ખોદી મૂકવામાં આવેલા ખાડા બાબતે સાઇટ પર રહેલા કૉન્ટ્રૅક્ટરે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાયન ઈસ્ટ અને વેસ્ટ વચ્ચે ગટરની પાઇપલાઇનનું અન્ડરગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું છે અને એને માટે આ ખાડો ખોદવામાં આવ્યો હતો, પણ અમુક મંજૂરી ન મળવાને લીધે કામ અટકી પડ્યું છે. એ માટે અમે જવાબદાર નથી.’

એલબીએસ  = લાલ બહાદુર શાસ્ત્રી