કચરાપેટીમાં ફેરવાયેલો વિસ્તાર

21 December, 2012 07:28 AM IST  | 

કચરાપેટીમાં ફેરવાયેલો વિસ્તાર

સિલ્વર આર્ચ બિલ્ડિંગના રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં ઘણા સમયથી કચરાપેટી મૂક્યા વગર જ ખુલ્લી જગ્યામાં કચરાપેટી બનાવી દેવામાં આવી છે. આજુબાજુ આવેલાં બિલ્ડિંગોનો કચરો અહીં જ નાખવામાં આવે છે અને સુધરાઈ દ્વારા જોઈને પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીં કચરો નાખવામાં આવતાં કચરો રસ્તા સુધી આવી ગયો છે જેનાથી ચાલવામાં અને ખાસ કરીને વાહનોને ત્યાંથી લઈ જવામાં તકલીફ થાય છે. સુધરાઈ દ્વારા આ કચરાને સમયસર ઉપાડવામાં ન આવતાં કચરાપેટી દિવસે ને દિવસે મોટી થતી જાય છે અને લોકો કચરાપેટી સમજીને અહીંના કચરામાં ઉમેરો કરે છે. ગંદકી વધવાને પગલે બીમારીઓ પણ વધે છે.’

ત્યાંથી પસાર થતા એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં આવેલી ગટરને લાંબા સમયથી ખુલ્લી મૂકી દેવામાં આવી છે અને અનેક લોકો એમાં પડી ગયા બાદ ગટરને પથ્થર અને લાકડા પર લાલ કપડું બાંધીને કવર કરવામાં આવી છે. ત્યાં જ આવેલી બીજી ગટરને ઢાંકણું ન હોવાથી એને પેવર બ્લૉક્સથી કવર કરવામાં આવી છે. આમ અહીંની એક પણ સમસ્યા પર સુધરાઈ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.’