૨૬/૧૧ના શહીદોને રાયપુરના કચ્છીની અનોખી શ્રદ્ધાંજલિ

16 December, 2012 03:55 AM IST  | 

૨૬/૧૧ના શહીદોને રાયપુરના કચ્છીની અનોખી શ્રદ્ધાંજલિ



સપના દેસાઈ

મુંબઈ, તા. ૧૬

મૂળ કચ્છના પણ વર્ષોથી રાયપુરમાં સેટલ થયેલા ૪૪ વર્ષના બિઝનેસમૅન હિતેશ શાહ મુંબઈમાં ૨૦૦૮ની ૨૬ નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલાના શહીદોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવા પોતાની કારમાં છત્તીસગઢના રાયપુરથી ૧૨૦૦ કિલોમીટરનું અંતર ૧૮ કલાકમાં કાપીને મુંબઈ આવ્યા હતા. ગઈ કાલે સાંજે મુલુંડ આવી પહોંચેલા હિતેશ શાહ આજે જે સ્થળે શહીદો વીરગતિ પામ્યા હતા એ તમામ જગ્યાએ જઈને ત્યાં માથું ટેકવવાના છે અને પોતાના પૂરા રાજ્ય તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના છે.

ગઈ કાલે સવારે ૪ વાગ્યે રાયપુરથી પોતાની યાત્રા શરૂ કરીને સાંજે સાડાઆઠ વાગ્યે મુલુંડ આવી પહોંચેલા મૂળ કચ્છના જખૌ ગામના કચ્છી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન હિતેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રદ્ધાંજલિ તો મનની એક ભાવના છે. તમે એને કોઈ પણ રીતે આપી શકો. એટલે મેં રાયપુરથી મુંબઈ એકલાએ સળંગ કાર ડ્રાઇવ કરીને આવવાનુ નક્કી કર્યું હતું, મારે માટે કાર ડ્રાઇવ મારી પૅશન હોવા છતાં આ ટાસ્ક બહુ મુશ્કેલ હતું. દોઢ વર્ષ પહેલાં જ મારું લિવર-ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન થયું હોવાથી કારમાં એકલા અને એ પણ ૧૨૦૦ કિલોમીટરના રૂટમાં ફક્ત બે વખત પેટ્રોલ ભરવા માટે હૉલ્ટ લઈને ડ્રાઇવ કરવું જરા ડિફિકલ્ટ હતું. મને ખુશી છે કે મુંબઈના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કાર ડ્રાઇવ કરીને આવવાનું મારું સપનું હું પૂરું કરી શક્યો છું.’

‘૨૬/૧૧ના શહીદોને છત્તીસગઢના લોકો તરફથી શ્રદ્ધાંજલિ’ જેવા લખાણ સાથેની પોતાની સૅન્ટ્રો કારમાં માત્ર ૧૮ કલાકમાં મુંબઈ આવેલા હિતેશભાઈએ કહ્યું હતું કે ‘આજે મુંબઈનાં એ તમામ સ્થળોએ હું જઈશ જ્યાં આ કમભાગી આતંકવાદી કૃત્ય થયું હતું. ત્યાં જઈને હું એ સ્થળોએ માથું ટેકવીશ અને એ જ ખરા અર્થમાં મારા તરફથી આપણા દેશના બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ ગણાશે. પહેલાં ૨૬/૧૧ના દિવસે જ આવવાનો હતો, પણ અમુક કારણોસર હું એ દિવસે નહોતો આવી શક્યો.’