મીટર રીકૅલિબ્રેટિંગની ડેડલાઇન વધુ એક મહિનો લંબાઈ શકે છે

15 December, 2012 09:39 AM IST  | 

મીટર રીકૅલિબ્રેટિંગની ડેડલાઇન વધુ એક મહિનો લંબાઈ શકે છે




મુંબઈમાં રિક્ષા અને ટૅક્સીનાં જૂનાં મેકૅનિકલ અને નવા ઇલેક્ટ્રૉનિક મીટરના રીકૅલિબ્રેટિંગના મુદ્દે થઈ રહેલી ઢીલથી ગઈ કાલે બૉમ્બે હાઈ ર્કોટે આરટીઓ વિભાગની આકરી ઝાટકણી કાઢી હતી. મુંબઈમાં હજી સુધી ૬૯,૩૯૯ રિક્ષા અને ૨૧,૩૮૩ ટૅક્સીમાં નવા ભાડામાળખાને અનુરૂપ થાય એવાં ઇલેક્ટ્રૉનિક મીટર લગાડવાનાં બાકી છે. આવાં મીટર બદલવા કે રીકૅલિબ્રેટિંગ કરવા માટે આખા મુંબઈમાં ત્રણ જ સેન્ટરો હોવાથી રોજ માત્ર ૨૦૦૦ વાહનોનું રીકૅલિબ્રેટિંગ થાય છે. આથી આ કાર્ય માટે ૩૧ જાન્યુઆરીની ડેડલાઇન પણ લંબાવવી પડે એવી શક્યતા છે. ઍડ્વોકેટ જનરલ દરાયસ ખંભાતાએ કહ્યું હતું કે આ ડેડલાઇન એક મહિનો જેટલી વધારવી પડે એવી શક્યતા છે.

પ્લાનિંગમાં ખામી?


જસ્ટિસ ડૉ. ડી. વાય. ચંદ્રચૂડ અને એ. એ. સૈયદની બનેલી ડિવિઝન બેન્ચે ગઈ કાલે એક જનહિત અરજીની સુનાવણી વખતે જણાવ્યું હતું કે ‘આ આખી પ્રક્રિયામાં જે રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું એમાં ભરપૂર ખામી છે અને એ સુધારવી ખૂબ જ જરૂરી છે. રીકૅલિબ્રેટિંગનું કામ આરટીઓ વિભાગે ઝડપથી પૂરું કરવાની જરૂર છે. આટલાં બધાં વાહનોના રીકૅલિબ્રેટિંગનું કામ કરવા માટે માત્ર ત્રણ જ સેન્ટરો રાખવામાં આવે એ ખામીભયુંર્ આયોજન છે. એની સંખ્યામાં વધારો થવો જોઈએ. આ કેસમાં કેટલાક ઍડ્મિનિસ્ટ્રેટિવ મુદ્દા પણ સંકળાયેલા છે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. ’

દૂર-દૂર સેન્ટરો


હાલમાં માત્ર કાંદિવલી, બાંદરા અને ભાયખલામાં રીકૅલિબ્રેટિંગનું કામ થાય છે. રિક્ષાવાળા તેમની રિક્ષા ભાયખલા લઈ જઈ શકતા નથી. આથી મીટર રીકૅલિબ્રેટિંગ કરાવવા માટે રાહ જોવી પડે છે. ર્કોટે આ મેટરની આગલી સુનાવણી ૨૦ ડિસેમ્બરે રાખી છે અને ત્યાં સુધીમાં આરટીઓ વિભાગે કોર્ટનાં સૂચનોના અમલીકરણ માટે પ્રયાસ કરવાનો રહેશે.

આરટીઓ શું કહે છે?


આરટીઓ વિભાગે આ બાબતે જણાવ્યું છે કે ‘છેલ્લા ૮-૧૦ દિવસથી રિક્ષા કે ટૅક્સીવાળા મીટર રીકૅલિબ્રેટિંગ માટે આવતા નથી. જેમના વાહનમાં મેકૅનિકલ મીટર છે તેઓ પણ આવતા નથી એટલે આ કાર્યમાં ઢીલ થાય છે. જેમનાં મીટર ઇલેક્ટ્રૉનિક છે તેમણે ૧૬ ડિસેમ્બર સુધીમાં એનું રીકૅલિબ્રેટિંગ કરી દેવું પડશે, જ્યારે મેકૅનિકલ મીટર માટે આ ડેડલાઇન ૨૦૧૩ની ૩૧ જાન્યુઆરી છે. રિક્ષા કે ટૅક્સીમાં નવા ભાડાવધારાને અનુરૂપ મીટર ન હોય તો લોકો ટોલ-ફ્રી નંબર ૯૮૦૦૨૨૦૧૧૦ પર ફરિયાદ કરી શકે છે.’


ઇલેક્ટ્રૉનિક મીટરનું કામ બાકી


૨૭,૯૬૫ ટૅક્સીમાંથી ૧૪,૭૨૩

૫૮,૯૪૫ રિક્ષામાંથી ૬૪૨૩

મેકૅનિકલ રીકૅલિબ્રેટિંગનું કામ બાકી

૧૨,૨૨૩ ટૅક્સીમાંથી ૬૬૬૦

૯૫,૮૧૪ રિક્ષામાંથી ૬૨,૯૭૬


આરટીઓ = રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ