મહાવીરનગરના રહેવાસીઓએ શાકભાજીના ફેરિયાને હટાવ્યો, પરંતુ તેનો ટેમ્પો હજી પડ્યો છે

14 December, 2012 07:25 AM IST  | 

મહાવીરનગરના રહેવાસીઓએ શાકભાજીના ફેરિયાને હટાવ્યો, પરંતુ તેનો ટેમ્પો હજી પડ્યો છે

જોકે દિવાળી પહેલાંથી રાષ્ટ્રવાદી યુથ કૉન્ગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા રાજ રેસિડેન્સી-વનના કૉર્નર પાસે શાકભાજી વેચવા માટે ફેરિયો બેસાડવામાં આવ્યો હતો. તેને હટાવવા માટે ત્યાંના રહેવાસીઓએ ઘણા પ્રયત્નો કર્યા એથી હવે ફેરિયો તો જતો રહ્યો છે, પરંતુ શાકભાજી વેચવા સ્ટૉલની જેમ ઉપયોગમાં લેવામાં આવતો ટેમ્પો હજીયે પડ્યો છે.

રાજ રેસિડેન્સી-વન અને મહાવીરનગર ફેડરેશનના સેક્રેટરી અરુણ કેજરીવાલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીના રહેવાસીઓએ ફેરિયાને હટાવવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. તેને હટાવવા માટે અમે સુધરાઈ, આરટીઓ, પોલીસ બધી જગ્યાએ ફરિયાદો કરી હતી. પોલીસ દ્વારા વારંવાર ફેરિયાને હટાવવામાં આવતો  હતો એ છતાં તે ફરીથી બેસી જતો હતો. ૧૦ ડિસેમ્બરે રાષ્ટ્રવાદી યુથ કૉન્ગ્રેસના લોકો દ્વારા શાકભાજી વેચવા ટેમ્પો ઊભો રાખવામાં આવ્યો હતો. સોસાયટીના રહેવાસીઓએ ફેરિયાને જતા રહેવાનું કહેવા છતાં તે ગયો નહોતો. આથી પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે આવીને તેને હટાવ્યો હતો. જોકે તે ૧૧મીએ સવારે ફરીથી શાકભાજી વેચવા બેસી ગયો હતો અને ફરીથી પોલીસ-ફરિયાદ કરતાં પોલીસે તેને હટાવ્યો હતો. આથી તે ગયો, પરંતુ તેનો ટેમ્પો હજીયે પડ્યો છે. તે આ ટેમ્પોનો સ્ટૉલ તરીકે ઉપયોગ કરતો હતો. પોલીસે તેને ટેમ્પો લઈ જવા કહ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે એની બૅટરી ચાલતી નથી. જોકે તેઓ આ ટેમ્પો ધક્કો મારીને ખસેડતા હતા. આરટીઓના અધિકારીએ કહ્યું છે કે વહેલી તકે એને હટાવી દેવામાં આવશે.’