પાંજરાપોળની હડતાળ સમેટાતા ગાયોને રાહત

13 December, 2012 05:08 AM IST  | 

પાંજરાપોળની હડતાળ સમેટાતા ગાયોને રાહત

વિનોદકુમાર મેનન મુંબઈ, તા. ૧૩ પોતાની કોઈ પણ જાતની માગણી સંતોષાઈ ન હોવા છતાં સાઉથ મુંબઈના ભુલેશ્વરમાં આવેલા જાણીતા બૉમ્બે પાંજરાપોળના કર્મચારીઓએ પોતાની ત્રણ દિવસની હડતાળ સંકેલી લીધી છે. આ હડતાળ પાછળનું કારણ એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ (ઈપીએફ) તથા પર્સનલ લોન હતું. હડતાળને પગલે સોમવારથી કામદારોએ ગાયોને દોહવાનું પણ બંધ કરી દીધું હતું. પરિણામે દુધાળાં પ્રાણીઓને ઇન્ફેક્શન થવાનો કે મરણ પામવાનો પણ ખતરો હતો. વળી એને પરિણામે સાઉથ મુંબઈના ઘણા વિસ્તારોમાં દૂધની અછત પણ ઊભી થઈ હતી. મુંબઈ ગુમાસ્તા યુનિયનના સેક્રેટરી કિરણ પવારે કહ્યું હતું કે ‘બૉમ્બે પાંજરાપોળના તમામ ૧૪૦ કાયમી તથા અસ્થાયી કર્મચારીઓએ આ હડતાળમાં ભાગ લીધો હતો. તેમની હડતાળનાં મુખ્ય કારણોમાંથી એક તેમના પ્રોવિડન્ટ ફન્ડનાં નાણાં ટ્રસ્ટની જગ્યાએ બાંદરાની ઈપીએફ ઑફિસમાં જમા થતાં હતાં એ બાબતે તેમને અંધારામાં રાખવામાં આવ્યા હતા તેમ જ ટ્રસ્ટે તેમને પ્રોવિડન્ટ ફન્ડનાં નાણાં પર લોન આપવાનું બંધ કરી દીધું હતું એ હતું. બૉમ્બ પાંજરાપોળના ટ્રસ્ટી જમશેદજી જીજીભોયે કહ્યું કે ટ્રસ્ટની આર્થિક હાલત ખરાબ ચાલી રહી છે ત્યારે જ કર્મચારીઓ યુનિયનની ચડામણીથી આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. વર્કરોના ઈપીએફ અકાઉન્ટમાં કુલ ૩.૫૨ કરોડ રૂપિયા જમા કરાવવાના હતા જેમાંથી ૨.૭૨ કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. બાકીના ૮૦ લાખ રૂપિયા ટ્રસ્ટ દ્વારા જમા કરાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે કર્મચારીઓની માગણી ટ્રસ્ટ સંતોષી શકે એમ નથી, કારણ કે છેલ્લાં ઘણાં વર્ષોથી ટ્રસ્ટને વર્ષે ૩૫ લાખ રૂપિયાની ખોટ જાય છે. આ હડતાળને કારણે દરરોજ ૧૩૫ ગાયોમાંથી કાઢવામાં આવતા ૮૦૦ લિટર દૂધનો બગાડ થયો હતો. જોકે ટ્રસ્ટના આ દાવાને કર્મચારીઓએ નકારી કાઢ્યો હતો. અજુર્ન રબારી નામના કર્મચારીએ કહ્યું હતું કે અમે દિવસના બે વખતની જગ્યાએ એક વખત ગાયને દોહી હતી તેમ જ વાછરડાને ચારો પણ નાખ્યો હતો. જોકે ગાયને બે વાર દોહવામાં ન આવે તો એમના માટે એ જીવલેણ પણ બની શકે છે.