સાઉથ મુંબઈની પાંજરાપોળના કર્મચારીઓની હડતાળ

12 December, 2012 06:16 AM IST  | 

સાઉથ મુંબઈની પાંજરાપોળના કર્મચારીઓની હડતાળ



શિરીષ વક્તાણિયા

મુંબઈ, તા. ૧૨

સાઉથ મુંબઈના ભુલેશ્વરમાં આવેલી અત્યંત પ્રખ્યાત શ્રી મુંબઈ પાંજરાપોળ ગૌશાળાના ૧૪૦ કર્મચારીઓને પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (પીપીએફ) અને પર્સનલ લોનનો લાભ ન મળતો હોવાથી તેઓ સોમવારથી ત્રણ દિવસ સુધી હડતાળ પર ઊતરી ગયા છે. જોકે આજે આ હડતાળનો છેલ્લો દિવસ છે અને જો તેમની માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ હડતાળને લંબાવવામાં આવશે એવી તેમણે ધમકી આપી છે. આ હડતાળને કારણે ગૌશાળાની ૩૫૦ જેટલી ગાયોના જીવ હાલમાં જોખમમાં મુકાઈ ગયા છે. સ્ટ્રાઇકની શરૂઆત થતાંની સાથે જ ગાયોને દોહવાની પ્રક્રિયા પણ અટકી ગઈ હોવાથી ગાયને ઇન્ફેક્શન થવાનો ખતરો વધી ગયો છે. સાઉથ મુંબઈના વિસ્તારોમાં પાંજરાપોળમાંથી થતા દૂધના વિતરણને અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે. આને કારણે ભુલેશ્વર, મહાલક્ષ્મી, ફૉર્ટ, ભાયખલા, પેડર રોડ અને વરલી જેવા વિસ્તારોમાં લોકોને ગાયનું દૂધ મળવાનું બંધ થઈ ગયું છે. દરરોજ ૬૫૦ લિટર દૂધની હોમ-ડિલિવરી કરવામાં આવે છે અને ૧૦૦ લિટર દૂધ લોકો ત્યાં આવીને લઈ જાય છે.

મુંબઈ ગુમાસ્તા યુનિયનના સેક્રેટરી કિરણ પવારે કહ્યું હતું કે ‘આ કર્મચારીઓ ફક્ત તેમનો હક માગી રહ્યા છે. અમે આ હડતાળને કારણે ગાય કે કોઈને પણ હેરાન કરવા ઇચ્છતા નથી, પણ ટ્રસ્ટ અમારી માગણી સ્વીકારતું નથી. અમારી માગણી છે કે ટ્રસ્ટે કર્મચારીઓને બે લાખ રૂપિયા સુધી લોન આપવાની વ્યવસ્થા કરવી જોઈએ તથા કૉન્ટ્રૅક્ટ પર રાખેલા કર્મચારીઓને બોનસ અને તેમના પગારમાં પણ વધારો કરી આપવો જોઈએ. ૨૦૦૯માં પગાર વધારવા માટે આવી જ રીતે અમે હડતાળ પાડી હતી. જોકે હડતાળ પર ગયાના થોડા સમય પછી અમારી માગણી સ્વીકારવામાં આવી હતી, પણ આ વખતે ટ્રસ્ટીઓ અમારી સાથે સખત વર્તાવ કરી રહ્યા છે.’

ટ્રસ્ટી જમશેદજી જીજીભોયે કહ્યું હતું કે ‘અમે ઑડિટરોની સૂચનાનું પાલન કરી રહ્યા છીએ. આ હડતાળને કારણે ૧૩૫ ગાયો પાસેથી જમા થતું દર દિવસનું ૮૦૦ લિટર દૂધ હાલમાં વેડફાઈ રહ્યું છે. અમારી કર્મચારીઓને ફક્ત એટલી જ વિનંતી છે કે તેઓ આ ગાયોને હેરાન ન કરે અને દૂધનો પણ તેઓ વેડફાટ ન કરે. કર્મચારીઓએ ગાયોને દોહવાનું કામ ચાલુ રાખવું જોઈએ. આ દૂધ વેડફવા કરતાં સરકારી હૉસ્પિટલ અથવા ચિલ્ડ્રન્સ હોમમાં આપી દેવું જોઈએ. એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડના અકાઉન્ટમાં ટ્રસ્ટ દ્વારા કુલ ૩.૫૨ કરોડ રૂપિયા ડિપોઝિટ કરવામાં આવવાના હતા, પણ એમાંથી ટ્રસ્ટે ૨.૨૭ કરોડ રૂપિયા ડિપોઝિટ કર્યા હતા અને બાકીના ૮૦ લાખ રૂપિયા ડિપોઝિટ કરવાના બાકી છે જે વહેલી તકે ડિપોઝિટ કરી દેવામાં આવશે.’

જોકે આ ગૌશાળામાં કામ કરતા કર્મચારી અજુર્ન રબારીએ કહ્યું હતું કે ‘અમે દૂધનો વેડફાટ નથી કરી રહ્યા. અમે ગાયની પૂજા કરીએ છીએ. અમે દૂધ ગૌશાળાની ગાયોનાં વાછરડાંને પીવડાવી રહ્યા છીએ.’ 

હડતાળ પર ઊતરવાનાં કારણો?

પહેલું કારણ : કર્મચારીઓના એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડ (ઈપીએફ)ના રૂપિયા ટ્રસ્ટ પાસે રાખવામાં આવતા હતા, પણ ત્રણ વર્ષ પહેલાં એને બાંદરાની ઑફિસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. શ્રી મુંબઈ પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટનો દાવો છે કે ઈપીએફ-ઑફિસરના કહ્યા મુજબ તેઓ ઑડિટરોની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ હડતાળ પર ઊતરેલા સ્ટાફ-મેમ્બરોનો દાવો છે કે તેમને અંધારામાં રાખવામાં આવ્યા છે અને આ સંદર્ભે ટ્રસ્ટ પણ તેમને કોઈ પ્રૂફ્ર કે ડૉક્યુમેન્ટ આપતા નથી.

બીજું કારણ : આ ટ્રસ્ટે કર્મચારીઓના પોતાના પ્રોવિડન્ટ ફન્ડમાંથી તેમને લોન આપવાનું પણ બંધ કરી દીધું છે. કર્મચારીઓએ કહ્યું હતું કે ‘અમને ટ્રસ્ટ તરફથી જમા થયેલા અમારા પ્રોવિડન્ટ ફન્ડમાંથી ૬૦ ટકા પર્સનલ લોન મળતી હતી અને ૯.૫ ટકા વ્યાજ પણ અમારી પાસેથી વસૂલ કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી અમને લોન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્રસ્ટ અમારી પાસેથી એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડના રૂપિયા તો લે છે, પણ એ પૂરેપૂરી રકમ બાંદરાની ઑફિસમાં જમા કરાવવામાં નથી આવતી. જ્યાં સુધી આ ફન્ડ ઑફિસમાં જમા કરાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લોનની અરજી સ્વીકારવામાં આવશે નહીં.’

પાંજરાપોળનો ઇતિહાસ

૧૮૩૪માં બે બિઝનેસમેન જમશેદજી જીજીભોય અને અમીચંદ શાહે રખડતાં શ્વાન અને ડુક્કરો માટે પાંજરાપોળની સ્થાપના કરી હતી. તેમને એક પારસી દાનવીર કાવસજી પટેલે મદદ કરી હતી અને તેમના નામથી તેમના વિસ્તારને સી. પી. ટૅન્ક નામ આપવામાં આવ્યું હતું. હાલમાં તેમની બ્રાન્ચ કલ્યાણ, ચેમ્બુર અને ભિવંડીમાં છે અને એક બ્રાન્ચ ગુજરાતના ભીલાડમાં શરૂ થઈ છે.