પત્નીની હત્યા કરીને બાળકોની મદદથી ડેડબૉડી સગેવગે કરવાનો પ્રયાસ

11 December, 2012 07:29 AM IST  | 

પત્નીની હત્યા કરીને બાળકોની મદદથી ડેડબૉડી સગેવગે કરવાનો પ્રયાસ



એક શૉકિંગ ઘટનામાં સાંતાક્રુઝ પોલીસે વાકોલાના એક રિક્ષા-ડ્રાઇવરની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ રિક્ષા-ડ્રાઇવર પર પત્નીની હત્યા કરીને પછી તેની લાશને બાર વર્ષની દીકરી અને છ વર્ષના દીકરાના મદદથી સગેવગે કરવાનો આરોપ છે. હાલમાં પોલીસે આ હત્યા કરીને પોતાના વતન બિહાર ભાગી ગયેલા આરોપીને ઝડપી લેવા માટે એક ટીમને બિહાર મોકલી છે.

શનિવારે સવારે સાંતાક્રુઝ પોલીસને જુહુના કોલીવાડાથી મહિલાની લાશ મળી આવી હતી. તપાસ પછી ખબર પડી હતી કે આ લાશ સાંતાક્રુઝમાં જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીમાં કામ કરતી ગુડિયા ઉર્ફે છાયા સિંહ નામની મહિલાની હતી જેની હત્યા રિક્ષા-ડ્રાઇવર તરીકે કામ કરતા તેના પતિ શશી સિંહે કરી હતી. પોલીસને આ હત્યાના સંપૂર્ણ ઘટનાક્રમની માહિતી રિક્ષા-ડ્રાઇવરના

ઘર પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજ તેમ જ કોલીવાડા પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજને એકબીજા સાથે સરખાવવાથી મળી હતી અને આ હત્યાનો ઉકેલ મળી ગયો હતો.

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન